<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

નરસિંહ રાવે અટલજીને શપથ ગ્રહણ સમયે જે ‘ગુપ્ત ચિઠ્ઠી’ આપી હતી તેનું રહસ્ય ખુલ્યું: "મારું આ અધૂરું કામ તમે પૂરું કરજો!"

અમેરિકાની જાસૂસી અને સેટેલાઇટ નજર વચ્ચે ભારતને પરમાણુ શક્તિ બનાવવાનો એ માસ્ટર પ્લાન; અશોક ટંડનના પુસ્તક ‘અટલ મેમોઇર્સ’ માં આશ્ચર્યજનક ખુલાસા

નવી દિલ્હી: ભારતીય રાજનીતિના ઈતિહાસમાં ૧૯૯૬નો એ શપથ ગ્રહણ સમારોહ હંમેશા યાદગાર રહેશે. જ્યારે અટલ બિહારી વાજપેયી પ્રથમવાર વડાપ્રધાન બની રહ્યા હતા, ત્યારે આઉટગોઇંગ પીએમ નરસિંહ રાવે તેમને શિષ્ટાચારના ભાગરૂપે એક હાથથી લખેલી ચિઠ્ઠી આપી હતી. આજે દાયકાઓ પછી એ ખુલાસો થયો છે કે એ ચિઠ્ઠીમાં કોઈ રાજકીય સલાહ નહીં, પરંતુ ભારતને પરમાણુ શક્તિ બનાવવાનું ‘અધૂરું મિશન’ પૂરું કરવાની ભાવુક અપીલ હતી.
અમેરિકાના દબાણ સામે રાવની મજબૂરી: અહેવાલ મુજબ, ૧૯૯૫માં નરસિંહ રાવ પરમાણુ પરીક્ષણ કરવા માટે મક્કમ હતા, પરંતુ અમેરિકાની જાસૂસી એજન્સીઓએ સેટેલાઇટ દ્વારા પોખરણ પર નજર રાખી હતી. યુએસ રાજદૂત ફ્રેન્ક વિસ્નરે રાવના મુખ્ય સચિવને સેટેલાઇટ તસવીરો બતાવીને ગંભીર આર્થિક પરિણામોની ચેતવણી આપી હતી. ભારે આંતરરાષ્ટ્રીય દબાણ અને જાપાન જેવા દેશોના હસ્તક્ષેપને કારણે રાવે છેલ્લી ઘડીએ પરીક્ષણો મુલતવી રાખ્યા હતા. રાવ જાણતા હતા કે પરમાણુ પરીક્ષણ એ ભારતની સુરક્ષા માટે અનિવાર્ય છે, જે તેઓ પોતે કરી શક્યા નહોતા.
ચિઠ્ઠીમાં છુપાયેલું હતું પરમાણુ ભારતનું સપનું: જ્યારે ૧૯૯૬માં વાજપેયી ૧૩ દિવસ માટે વડાપ્રધાન બન્યા, ત્યારે રાવે તેમને તે ચિઠ્ઠી સોંપી જેમાં લખ્યું હતું, "મેં તૈયારીઓ પૂરી કરી લીધી છે, પણ સંજોગોવશાત કરી શક્યો નથી, હવે તમે આ કામ પૂરું કરજો." જોકે, ૧૩ દિવસમાં સરકાર પડી જતાં તે સમયે પરીક્ષણ થઈ શક્યું નહીં. ત્યારબાદ આવેલા એચ.ડી. દેવગૌડા અને આઈ.કે. ગુજરાલની સરકારોએ પણ આ દિશામાં પગલાં ભર્યા નહોતા.
૧૯૯૮: જ્યારે વાજપેયીએ અમેરિકાને આપી થાપ: ૧૯૯૮માં ફરી સત્તામાં આવતાની સાથે જ વાજપેયીનું પ્રથમ લક્ષ્ય પરમાણુ પરીક્ષણ હતું. તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રાની કુનેહથી ભારતીય એજન્સીઓએ અમેરિકાના જાસૂસી સેટેલાઇટ્સને થાપ આપી. ૧૧ અને ૧૩ મે, ૧૯૯૮ના રોજ પોખરણની ધરતી ધ્રૂજી ઉઠી અને ભારતે ગર્વભેર જાહેર કર્યું કે તે એક પરમાણુ શક્તિ સંપન્ન રાષ્ટ્ર છે. પશ્ચિમી દેશોના કડક આર્થિક પ્રતિબંધો છતાં વાજપેયી અડગ રહ્યા.
અમેરિકા કેમ ડરતું હતું?: જાહેર થયેલા અમેરિકન ઇમેઇલ્સ અને ગુપ્ત દસ્તાવેજો દર્શાવે છે કે અમેરિકા વાજપેયીની બોડી લેંગ્વેજથી ડરતું હતું. તેમને અગાઉથી જ શંકા હતી કે જો વાજપેયી પીએમ બનશે, તો ભારત ચોક્કસપણે પરમાણુ પરીક્ષણ કરશે જ. રાવની એ ચિઠ્ઠી અને વાજપેયીની હિંમતે આજે ભારતને વિશ્વના શક્તિશાળી દેશોની હરોળમાં લાવી દીધું છે

(9:31 PM IST)