હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજવિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા 2:14 PM

નવી દિલ્હી : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં અત્યારે ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. મંગળવારે ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાઝ હમીદુલ્લાહને સમન્સ પાઠવીને સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. એક જ અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે ભારતે ઢાકામાં ભારતીય મિશનની સુરક્ષા અને ત્યાં ફેલાવવામાં આવી રહેલા ભારત વિરોધી "ખોટા નેરેટિવ" અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ તણાવ એટલો વધી ગયો છે કે બંને દેશોએ પરસ્પર વિઝા સેવાઓ પણ અચોક્કસ મુદત માટે સ્થગિત કરી દીધી છે, જેનાથી સામાન્ય નાગરિકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ વિવાદની જ્વાળા બાંગ્લાદેશના મૈમનસિંઘમાં એક હિન્દુ શ્રમિક દીપુ ચંદ્ર દાસની ટોળા દ્વારા કરવામાં આવેલી નિર્મમ હત્યા બાદ વધુ ભભૂકી છે. કટ્ટરપંથીઓએ દીપુ પર ઈશનિંદાનો આરોપ લગાવી તેને જીવતો સળગાવી દીધો હતો, જેનો વીડિયો વાયરલ થતા ભારતમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. આ તરફ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી નેતા શરીફ ઉસ્માન હાદીના મોતના પગલે કટ્ટરપંથી સંગઠનો કોઈપણ પુરાવા વિના ભારત પર આંગળી ચીંધી રહ્યા છે. એટલું જ નહીં, બાંગ્લાદેશના કેટલાક કટ્ટરપંથી નેતાઓએ તો ભારતના 'સેવન સિસ્ટર્સ' (ઉત્તર-પૂર્વીય રાજ્યો) ને અલગ પાડવાની ખુલ્લેઆમ ધમકી આપીને આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર હિંસાની ઘટનાઓ પર કોઈ નક્કર તપાસ કરી રહી નથી અને માત્ર ભ્રામક વાતો ફેલાવવામાં આવી રહી છે. બીજી તરફ, દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર VHP અને બજરંગ દળના હજારો કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને પગલે બાંગ્લાદેશ સરકારે પણ ભારતીય રાજદૂત પ્રણય વર્માને સમન્સ પાઠવી પોતાની સુરક્ષા અંગે સવાલ ઉઠાવ્યા હતા. હાલ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો 1971 પછીના સૌથી નીચલા સ્તરે પહોંચ્યા હોય તેવું જણાય છે, જે દક્ષિણ એશિયાની સ્થિરતા માટે ચિંતાનો વિષય છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજવિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા 2:14 PM