<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

"અમે છીએ ભારતના સૌથી મોટા બે ભાગેડુ...": લંડનની શાનદાર પાર્ટીમાં લલિત મોદી અને વિજય માલ્યાની શરમજનક મજાક!

IPL ના પૂર્વ કમિશનર લલિત મોદીએ 'કિંગફિશર' માલ્યાના 70માં જન્મદિવસ પર ભારત સરકારની મજાક ઉડાવતો વીડિયો કર્યો વાયરલ: વૈભવી પાર્ટીમાં દારૂ અને સંગીતની મહેફિલ વચ્ચે ઇન્ટરનેટ પર મચાવી ધૂમ : સોશિયલ મીડિયા પર લોકોનો ફૂટ્યો ગુસ્સો

લંડન : ભારતીય એજન્સીઓ જેમને વર્ષોથી શોધી રહી છે તેવા બે 'મોટા ગજાના' ભાગેડુઓ લંડનમાં બિન્ધાસ રખડી રહ્યા છે અને ભારતની કાયદાકીય વ્યવસ્થા પર ખુલ્લેઆમ કટાક્ષ કરી રહ્યા છે. આઈપીએલના પૂર્વ સર્વેસર્વા લલિત મોદીએ તાજેતરમાં વિજય માલ્યાના 70માં જન્મદિવસની ભવ્ય પાર્ટીનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને સનસનાટી મચાવી દીધી છે. વીડિયોમાં લલિત મોદી હસતા હસતા કહી રહ્યા છે કે, "આપણે ભારતના બે સૌથી મોટા ભાગેડુ છીએ." આટલું ઓછું હોય તેમ, મોદીએ કેપ્શનમાં લખ્યું છે કે તેઓ ઇન્ટરનેટ પર કંઈક એવું કરવા માંગતા હતા જેનાથી લોકોના 'હૃદય બળે', જે સીધો સંકેત આપે છે કે તેમને ભારતીય ન્યાયતંત્રનો જરાય ડર નથી.

વર્ષોથી મીડિયાની સ્પોટલાઇટથી દૂર રહેલા લલિત મોદીએ આ વીડિયો દ્વારા ફરી એકવાર હેડલાઇન્સમાં આવવાનો પ્રયાસ કર્યો છે. વિજય માલ્યાના લંડન સ્થિત આલીશાન બંગલે આયોજિત આ પાર્ટીમાં અનેક હાઈ-પ્રોફાઈલ મહેમાનો હાજર રહ્યા હતા. જે બેન્કોના હજારો કરોડ રૂપિયા લઈને ભાગેલા આ ઉદ્યોગપતિઓની ધરપકડ માટે ભારત સરકાર એડીચોટીનું જોર લગાવી રહી છે, તેમની આવી બેફામ લાઈફસ્ટાઈલ અને કટાક્ષભર્યા વિડિયો જોઈને સોશિયલ મીડિયા પર ભારતીય યુઝર્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લલિત મોદીએ આ વીડિયો શેર કર્યા બાદ તેની સાથે જોડાયેલા મીડિયા રિપોર્ટ્સને પણ પોતાની સ્ટોરીઝમાં શેર કરીને સાબિત કર્યું કે તેમને ચર્ચામાં રહેવું ગમે છે.

આ ઘટનાએ ફરી એકવાર ભારત અને યુકે વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ પર સવાલો ઉભા કર્યા છે. વિજય માલ્યા અને લલિત મોદી બંને સામે આર્થિક ઉચાપત અને મની લોન્ડરિંગના ગંભીર આરોપો હોવા છતાં, તેઓ લંડનની મોંઘી ક્લબો અને પાર્ટીઓમાં નિર્ભય રીતે ફરી રહ્યા છે. મોદીના આ 'શાનદાર' વીડિયોએ ભારતીય એજન્સીઓ માટે એક નવો પડકાર ઉભો કર્યો છે, જેઓ આ બંનેને ભારત લાવવા માટે વર્ષોથી કાયદાકીય લડાઈ લડી રહ્યા છે. હાલ તો આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ છે અને લોકો પૂછી રહ્યા છે કે શું ખરેખર ન્યાયમાં વિલંબ એટલે ન્યાયનો ઇનકાર છે?

(10:43 PM IST)