News of Tuesday, 23rd December 2025
રાહુલ vs પ્રિયંકા: કોંગ્રેસમાં 'પીએમ ચેહરા' માટે આંતરિક જંગ? ઈમરાન મસૂદ અને રોબર્ટ વાડ્રાની બેટિંગથી દિલ્હીના રાજકારણમાં ગરમાવો!
રાહુલ ગાંધીની જર્મની યાત્રા વચ્ચે પ્રિયંકા ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની માંગણીએ જોર પકડ્યું : સાંસદ મસૂદે કરી ઇન્દિરા ગાંધી સાથે સરખામણી : રોબર્ટ વાડ્રાએ પત્નીના 'ઉજ્જવળ ભવિષ્ય' પર મહોર મારી ભાજપને કટાક્ષ કરવાની તક આપી

નવી દિલ્હી: દેશના સૌથી જૂના રાજકીય પક્ષ કોંગ્રેસમાં ફરી એકવાર નેતૃત્વ પરિવર્તનના સૂર સંભળાઈ રહ્યા છે, પરંતુ આ વખતે લડાઈ પક્ષની બહાર નહીં પણ પરિવારની અંદર જ હોવાના સંકેત મળી રહ્યા છે. જ્યારે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે છે, ત્યારે દેશમાં તેમના જ પક્ષના સાંસદ ઈમરાન મસૂદે પ્રિયંકા ગાંધી વાડ્રાને વડાપ્રધાન પદના ચહેરા તરીકે રજૂ કરવાની માંગ કરીને ખળભળાટ મચાવી દીધો છે. મસૂદે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જો પ્રિયંકા ગાંધી પીએમ હોત તો તેમણે ઇન્દિરા ગાંધીની જેમ આયર્ન લેડી બનીને જડબાતોડ જવાબ આપ્યો હોત. આ નિવેદને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે કે શું હવે કોંગ્રેસને પણ રાહુલ ગાંધી પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે?
આ વિવાદમાં ત્યારે વધુ ઘી હોમાયું જ્યારે પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાએ આ માંગણીને ખુલ્લેઆમ ટેકો આપ્યો. વાડ્રાએ જણાવ્યું કે પ્રિયંકાએ તેમના દાદી અને પિતા પાસેથી ઘણું શીખ્યું છે અને તે જ્યારે પણ બોલે છે ત્યારે લોકોના દિલ જીતી લે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભવિષ્યમાં લોકો તેમને દેશના ટોચના પદ પર જોવા માંગશે. વાડ્રાના આ નિવેદનને રાજકીય પંડિતો પ્રિયંકાના સત્તાવાર રીતે 'લોન્ચિંગ' તરીકે જોઈ રહ્યા છે. આ ઘટનાક્રમે કોંગ્રેસના એ વર્ગને પ્રોત્સાહન આપ્યું છે જે લાંબા સમયથી ચૂંટણી હાર બાદ રાહુલના વિકલ્પ તરીકે પ્રિયંકા ગાંધીને જોવાની વકીલાત કરી રહ્યો હતો.
બીજી તરફ, ભાજપે આ તકને ઝડપી લેતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કટાક્ષ કરતા કહ્યું કે, હવે તો ખુદ કોંગ્રેસના નેતાઓ જ રાહુલ ગાંધીના નેતૃત્વને નકારી રહ્યા છે અને તેમના પરિવારના જ સભ્યો તેમના પદ માટે દાવેદારી કરી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસમાં હવે 'ન્યાય યાત્રા'ની નહીં પણ 'પરિવાર બચાવો'ની લડાઈ ચાલી રહી છે. દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં અત્યારે એ જ ચર્ચા છે કે શું પ્રિયંકા ગાંધી આગામી લોકસભા ચૂંટણીમાં વિરોધ પક્ષનો મુખ્ય ચહેરો બનશે કે પછી આ માત્ર રાહુલ ગાંધી પર દબાણ લાવવાની રણનીતિ છે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
