News of Tuesday, 23rd December 2025
વૈજ્ઞાનિકોની મદદ માટે હવે આવશે AI રોબોટ: IIT દિલ્હીએ વિકસાવ્યું દુનિયાનું અનોખું આસિસ્ટન્ટ “AILA”, જે લેબમાં જાતે જ કરશે જટિલ પ્રયોગો
માત્ર અંગ્રેજીમાં સૂચના આપો અને એઆઈ એજન્ટ જાતે જ કોડિંગ કરી સાધનો ચલાવશે; એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ જેવા જટિલ મશીનો પર પ્રયોગો કરી ડેટા વિશ્લેષણ કરવામાં મળી મોટી સફળતા

નવી દિલ્હી : વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (IIT) દિલ્હીના સંશોધકોએ એક એવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) લેબ આસિસ્ટન્ટ તૈયાર કર્યું છે, જે કોઈ માણસની જેમ જ પ્રયોગશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો કરી શકે છે. આ સિસ્ટમને “AILA” (Artificially Intelligent Lab Assistant) નામ આપવામાં આવ્યું છે, જે ભારતના વૈજ્ઞાનિક ઇકોસિસ્ટમમાં ક્રાંતિ લાવવા માટે સજ્જ છે.
ચેટબોટની જેમ કામ કરશે ‘આઈલા’
આ ટેકનોલોજીની સૌથી મોટી વિશેષતા તેની સરળતા છે. સંશોધક ઇન્દ્રજીત મંડલે જણાવ્યું હતું કે, AILA માં ચેટબોટ જેવું ઇન્ટરફેસ છે. વૈજ્ઞાનિકોએ માત્ર અંગ્રેજી ભાષામાં સૂચના આપવાની રહેશે. ત્યારબાદ આ AI એજન્ટ તે સૂચનાઓને આપમેળે કોમ્પ્યુટર કોડમાં રૂપાંતરિત કરશે અને લેબના સાધનોને આદેશ આપીને પ્રયોગ શરૂ કરી દેશે. તે માત્ર પ્રયોગ જ નથી કરતું, પરંતુ પ્રયોગ દરમિયાન રીઅલ-ટાઇમ નિર્ણયો લઈને પરિણામોનું વિશ્લેષણ પણ જાતે જ કરે છે.
જટિલ મશીનો પર મેળવ્યું પ્રભુત્વ
સંશોધકોએ અત્યંત જટિલ ગણાતા એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ (AFM) પર આ મોડેલનું સફળ પરીક્ષણ કર્યું છે. AFM એક એવું સાધન છે જેનો ઉપયોગ મટીરિયલ સાયન્સમાં પરમાણુ સ્તરે તપાસ કરવા માટે થાય છે. AILA આ સાધનને સંપૂર્ણપણે નિયંત્રિત કરવામાં સફળ રહ્યું છે. પ્રોફેસર અનૂપ કૃષ્ણના જણાવ્યા અનુસાર, જે પ્રયોગો પૂર્ણ કરવામાં માણસોને કલાકો લાગતા હતા, તે હવે AILA ની મદદથી મિનિટોમાં પૂર્ણ કરી શકાશે, જેનાથી સમય અને માનવશક્તિ બંનેની મોટી બચત થશે.
ભવિષ્યનું વિજ્ઞાન હવે ભારતના હાથમાં
આ સિસ્ટમ વિકસાવવા પાછળનું મુખ્ય ધ્યેય ભારતીય પ્રયોગશાળાઓને વધુ સ્માર્ટ અને કાર્યક્ષમ બનાવવાનું છે. IIT દિલ્હીની આ શોધ આગામી સમયમાં દવાઓની શોધ (Drug Discovery), નેનો-ટેકનોલોજી અને એડવાન્સ મટીરિયલ રિસર્ચમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. માનવ વૈજ્ઞાનિકો હવે માત્ર વ્યૂહાત્મક નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે, જ્યારે પ્રયોગોનું પુનરાવર્તિત અને જટિલ કામ AILA સંભાળી લેશે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
