<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

તબીબી ક્ષેત્રે ભારતની મોટી છલાંગ: રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે શરૂ કર્યો ‘રિમોટ સર્જરી’ પ્રોગ્રામ; મુંબઈમાં બેઠા સર્જનોએ જામનગરમાં કર્યું સફળ ઓપરેશન!

રિલાયન્સ જિયોના અલ્ટ્રા-ફાસ્ટ નેટવર્ક અને સ્વદેશી રોબોટિક ટેકનોલોજીનો કરિશ્મા; હવે અંતરિયાળ વિસ્તારના દર્દીઓને ઘરઆંગણે મળશે મેટ્રો સિટી જેવી વર્લ્ડ ક્લાસ સારવાર

મુંબઈ  : ભારતીય આરોગ્ય સેવાઓમાં એક નવા યુગનો પ્રારંભ થયો છે. મુંબઈની સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (HNRFH) એ જામનગરના કોમ્યુનિટી મેડિકલ સેન્ટરના સહયોગથી દેશનો અગ્રણી ‘ટેલિ-રોબોટિક સર્જરી પ્રોગ્રામ’ લોન્ચ કર્યો છે. આ ટેકનોલોજીની મદદથી હવે નિષ્ણાત સર્જનો સેંકડો કિલોમીટર દૂર રહીને પણ અત્યંત જટિલ સર્જરીઓ રોબોટના માધ્યમથી કરી શકશે.
જામનગરમાં પ્રથમ સફળ ટેલિ-સર્જરી
આ ઐતિહાસિક કાર્યક્રમ હેઠળ પ્રથમ ટેલિ-રોબોટિક સર્જરી જામનગર સ્થિત સેન્ટરમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ સફળતા સાથે જ રિલાયન્સે સાબિત કરી દીધું છે કે ભૌગોલિક અંતર હવે શ્રેષ્ઠ સારવારમાં અવરોધ નહીં બને. રિલાયન્સ જિયોના સુરક્ષિત અને અલ્ટ્રા-લો-લેટન્સી (અત્યંત ઝડપી) ડિજિટલ નેટવર્ક દ્વારા આ શક્ય બન્યું છે, જેમાં સર્જનના આદેશો પળવારમાં રોબોટ સુધી પહોંચે છે.
ભૂગોળ હવે સારવારમાં મર્યાદા નહીં બને
હોસ્પિટલના ગ્રુપ સીઈઓ ડૉ. તરંગ ગિયાનચંદાનીએ આ પહેલને ક્રાંતિકારી ગણાવતા કહ્યું કે, “દાયકાઓથી જટિલ સર્જરીઓ માત્ર ગણ્યા-ગાંઠ્યા મોટા શહેરો પૂરતી મર્યાદિત હતી. પરંતુ હવે સ્વદેશી રોબોટિક સિસ્ટમ અને સુરક્ષિત ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા અમે આ વાસ્તવિકતા બદલી રહ્યા છીએ. હવે નોન-મેટ્રો અને દૂરના પ્રદેશોના દર્દીઓને પણ ઉચ્ચ સ્તરની ચોકસાઈવાળી સારવાર મળી રહેશે.”
‘આત્મનિર્ભર ભારત’ની ભાવના સાકાર
આ પ્રોગ્રામમાં ઉપયોગમાં લેવાયેલી રોબોટિક સર્જિકલ સિસ્ટમ સંપૂર્ણપણે સ્વદેશી છે, જે ભારતની આત્મનિર્ભરતાનું પ્રતિક છે. જિયો પ્લેટફોર્મ્સના સીઓઓ અનિશ શાહે જણાવ્યું કે, નેક્સ્ટ જનરેશન ડિજિટલ નેટવર્ક માત્ર વાતો કરવા માટે નથી, પરંતુ જીવનરક્ષક સંભાળને દર્દીઓની નજીક લાવવા માટે છે. આ ટેકનોલોજીથી અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લાખો લોકોના જીવન બચાવવામાં મોટી મદદ મળશે.
આ પહેલ સાથે ભારત હવે વિશ્વના એવા ગણ્યા-ગાંઠ્યા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જ્યાં રિમોટ રોબોટિક સર્જરી જેવી અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ છે.

(10:59 PM IST)