News of Tuesday, 23rd December 2025
અમેરિકાના રાજકારણમાં ખળભળાટ: સેક્સ ટ્રાફિકિંગના ગુનેગાર જેફરી એપ્સ્ટેઇનના પ્રાઈવેટ જેટમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ખુલ્યું; અનેક ફ્લાઈટ્સના રહસ્યમય રેકોર્ડ્સ આવ્યા સામે
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે જાહેર કરી તપાસની નવી ફાઈલો; એપ્સ્ટેઇન સાથેના જૂના સંબંધો ફરી ચર્ચામાં આવતા ટ્રમ્પની વધી મુશ્કેલી, જોકે સત્તાવાર રીતે કોઈ આરોપ હજુ સુધી નથી

વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાયા છે. કુખ્યાત ફાઇનાન્સર અને જાતીય ગુનેગાર જેફરી એપ્સ્ટેઇન સાથે જોડાયેલી તપાસની નવી ફાઇલો જાહેર થતાં જ અમેરિકાના રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોના બીજા બેચમાં ખુલાસો થયો છે કે એપ્સ્ટેઇનના ખાનગી વિમાનના ફ્લાઇટ લોગમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ અનેક વખત જોવા મળ્યું છે.
શું છે ફ્લાઈટ રેકોર્ડ્સનું રહસ્ય?
સીએનએનના અહેવાલ મુજબ, ફેડરલ કાયદા હેઠળ ફરજિયાત કરવામાં આવેલા આ ખુલાસામાં જેફરી એપ્સ્ટેઇનના ખાનગી વિમાન સાથે સંકળાયેલા અનેક ફ્લાઇટ રેકોર્ડ્સમાં ટ્રમ્પનું નામ સામેલ છે. જોકે, ફેડરલ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે માત્ર દસ્તાવેજોમાં નામ હોવું એ કોઈ ગુનાહિત વર્તણૂકનો પુરાવો નથી. અત્યાર સુધી ડોનાલ્ડ ટ્રમ્પ પર એપ્સ્ટેઇન સંબંધિત કોઈ પણ પ્રકારના ગુનાહિત ગેરરીતિનો આરોપ મૂકવામાં આવ્યો નથી.
સંબંધો સ્વીકારવા અને નકારવાની રમત
ડોનાલ્ડ ટ્રમ્પ અને જેફરી એપ્સ્ટેઇન વચ્ચેના સંબંધોનો ઈતિહાસ ઘણો જૂનો અને વિવાદાસ્પદ રહ્યો છે. ૨૦૦૨માં એક મેગેઝિન પ્રોફાઈલમાં ટ્રમ્પે એપ્સ્ટેઇનને ‘શાનદાર વ્યક્તિ’ ગણાવ્યો હતો અને તેની મહિલાઓ પ્રત્યેની પસંદગી વિશે પણ ટિપ્પણી કરી હતી. જોકે, પાછળથી ટ્રમ્પે આ નિવેદનોથી અંતર જાળવી લીધું હતું અને દાવો કર્યો હતો કે તેમના એપ્સ્ટેઇન સાથે ઘણા વર્ષોથી ‘ખરાબ સંબંધો’ હતા. કોર્ટના રેકોર્ડ્સ અને ફોટોગ્રાફ્સ સૂચવે છે કે ૨૦૦૦ના દાયકાના મધ્ય સુધી બંને વચ્ચે સામાજિક સંબંધો હતા.
કોંગ્રેસના કાયદાએ ફાઈલો ખોલી
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા આ દસ્તાવેજોને સીલબંધ રાખવાના પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ ગયા મહિને યુએસ કોંગ્રેસમાં ભારે બહુમતીથી એક નવો કાયદો પસાર થયો, જેણે જેફરી એપ્સ્ટેઇન સંબંધિત તમામ ફાઈલોને સાર્વજનિક કરવાની ફરજ પાડી છે. જેફરી એપ્સ્ટેઇન, જેના પર સેક્સ ટ્રાફિકિંગના ગંભીર આરોપો હતા, તેણે ૨૦૧૯માં ન્યૂયોર્કની જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.
હવે આ નવી ફાઈલોના પ્રકાશન બાદ વિપક્ષી નેતાઓ અને સામાન્ય જનતામાં ટ્રમ્પના ભૂતકાળના સંબંધોને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
