<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

૬૩ વર્ષના નેતાએ ૪૩ વર્ષની મહિલા નેતા સાથે લગ્ન કર્યા

મધ્‍ય પ્રદેશના રાજકારણમાં જ્‍યારે પણ કોઈ મોટા નેતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલા સમાચાર આવે છે, તો સ્‍વાભાવિકપણે તે ચર્ચાનો વિષય બની જાય છે : લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પલ્‍લવી રાજ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ સચિવ રહ્યા છે અને લાંબા સમયથી રાજકારણમાં એક્‍ટિવ રહ્યા છે

ભોપાલ,તા.૨૪: મધ્‍ય પ્રદેશના રાજકારણમાં જ્‍યારે પણ કોઈ મોટા નેતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલા સમાચાર આવે છે, તો સ્‍વાભાવિકપણે તે ચર્ચાનો વિષય બની જાય છે. કંઈક આવું જ હાલમાં પૂર્વ મંત્રી દીપક જોશી અને કોંગ્રેસના મહિલા નેતા પલ્‍લવી રાજ સક્‍સેનાના લગ્નને લઈને જોવા મળે છે. સ્‍વર્ગીય કૈલાશ જોશીના દીકરા અને શિવરાજ સરકારમાં મંત્રી રહેલા દીપક જોશીના આ લગ્ન રાજકીય ગલીઓથી લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્‍યો છે. કારણ ખાલી લગ્ન નથી, પણ દુલ્‍હનનું રાજકીય બેકગ્રાઉન્‍ડ, ઉંમરનો તફાવત અને સામે આવેલા વિવાદ પણ છે. તસવીરો સામે આવતા જ લોકો જાણવા માગે છે કે આખરે પલ્‍લવી રાજ કોણ છે અને આ સંબંધ અચાનક કેવી રીતે ચર્ચામાં આવ્‍યો.

૬૩ વર્ષના દીપક જોશી અને ૪૩ વર્ષની પલ્‍લવી રાજ સક્‍સેનાના આ લગ્ન આમ તો ખાનગી બાબત છે, પણ સાર્વજાનિક થતાં જ તે એક પોલિટિકલ ટોકિગ પોઈન્‍ટ બની ગઈ. કોંગ્રેસના એક્‍ટિવ મહિલા નેતા પલ્‍લવી રાજ પહેલી વાર આટલા મોટા રાજકીય નામ સાથે જોડાયા બાદ લાઇમલાઇટમાં આવી ગયા છે. આ લગ્ન સામે આવ્‍યા બાદ ન ફક્‍ત તેમના વ્‍યક્‍તિગત જીવનને લઈને સવાલો ઊઠી રહ્યા છે, પણ દીપક જોશીની રાજકીય સફર અને પારિવારિક પૃષ્ઠભૂમિ પર પણ ચર્ચા તેજ થઈ ગઈ છે. આવા સમયે એ જાણવું જરૂરી થઈ જાય છે કે પલ્‍લવી રાજનું રાજકીય અને વ્‍યક્‍તિગત સફર શું છે અને આ વિવાદ કેમ ખાસ બની ગયો છે.

પલ્‍લવી રાજ સક્‍સેના મધ્‍ય પ્રદેશ કોંગ્રેસમાં લાંબા સમયથી સક્રિય ભૂમિકા નિભાવી ચૂક્‍યા છે. તેઓ મહિલા કોંગ્રેસના પૂર્વ સચિવ રહી ચૂક્‍યા છે. સંગઠનાત્‍મક રાજકારણમાં તેમનું નામ એક જમીની કાર્યકર્તા તરીકે લખાયેલું રહ્યું છે. હાલમાં તેમની પાસે કોઈ ઔપચારિક પદ નથી, પણ પાર્ટી ગતિવિધિઓ સાથે જોડાયેલા રહ્યા છે. લગ્ન બાદ તેમનું નામ પલ્‍લવી રાજ સક્‍સેના જોશી થઈ ગયું છે. દીપક જોશી અને પલ્‍લવી રાજ વચ્‍ચે લગભગ ૨૦ વર્ષનું અંતર છે. સોશિયલ મીડિયા પર તેને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જો કે બંને નેતાઓએ તેને વ્‍યક્‍તિગત નિર્ણય ગણાવ્‍યો છે.

પલ્‍લવી રાજે ખુદ મીડિયા સાથે વાત કરતા પોતાના જીવનને લઈને ખુલીને વાતો કરી છે. તેમણે જણાવ્‍યું કે, આ તેમના બીજા લગ્ન છે. પલ્‍લવી રાજનું કહેવું છે કે તેમને દીપક જોશીની પહેલી પત્‍ની વિજયા જોશી વિશે જાણકારી હતી, જેમનું ૨૦૨૧માં કોરોના દરમિયાન નિધન થઈ ગયું હતું. અન્‍ય દાવાને તેમને નિરાધાર ગણાવ્‍યા છે. લગ્ન સામે આવતા જ અમુક વિવાદ પણ થયો છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, બે અન્‍ય મહિલાઓએ દીપક જોશીની પત્‍ની હોવાનો દાવો કર્યો છે

(9:55 AM IST)