News of Wednesday, 24th December 2025
અમેરિકાના પેન્સિલવેનિયામાં નર્સિંગ હોમમાં પ્રચંડ વિસ્ફોટ: ઈમારતનો ભાગ ધરાશાયી, સંખ્યાબંધ લોકો ફસાયા
અમેરિકાના બ્રિસ્ટલ ટાઉનશિપમાં આવેલ 'સિલ્વર લેક નર્સિંગ હોમ'માં ભયાનક દુર્ઘટના * ગેસ લાઈનમાં ભંગાણને કારણે વિસ્ફોટ થયો હોવાની પ્રાથમિક શક્યતા * કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ

વોશિંગ્ટન: અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીંના એક નર્સિંગ હોમમાં થયેલા જોરદાર ધડાકાને કારણે ત્યાં રહેતા વૃદ્ધો અને સ્ટાફ મુશ્કેલીમાં મુકાયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટના મંગળવારે બપોરે
ફિલાડેલ્ફિયાથી લગભગ ૩૦ મિનિટના અંતરે ઉત્તર-પૂર્વ દિશામાં આવેલા બ્રિસ્ટલ ટાઉનશિપમાં સ્થિત 'સિલ્વર લેક નર્સિંગ હોમ'માં આ વિસ્ફોટ થયો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ધડાકો એટલો તેજ હતો કે ઈમારતની બારીઓના કાચ તૂટી ગયા હતા અને છતનો એક મોટો ભાગ તૂટી પડ્યો હતો. સ્થાનિક અધિકારીઓ અને ફર્સ્ટ રિસ્પોન્ડર્સના જણાવ્યા મુજબ, આ ઘટના સંભવિત રીતે ગેસ વિસ્ફોટને કારણે બની હોવાનું માનવામાં આવે છે.
પેન્સિલવેનિયા ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા રૂથ મિલરે જણાવ્યું હતું કે, તેમને અંદર કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફૂટેજમાં ઈમારતમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ નીકળતી જોઈ શકાતી હતી. હાલમાં ઈમરજન્સી ટીમો દ્વારા કાટમાળ હટાવીને લાપતા લોકોને શોધવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
