<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

ગ્વાલિયરમાં લગ્નના નામે ચાલતા મોટા કૌભાંડનો પર્દાફાશ: ૧,૫૦૦ યુવકોને છેતરનારી ૧૯ યુવતીઓ ઝડપાઈ: તીલેશ્વર પટેલ કોણ?

મુખ્ય ભૂમિકા રાખી ગૌડ (ઉં ૨૪) અને સીતા ઉર્ફે શીતલ ચૌહાણ (ઉં ૨૬)ની: યુવકો પાસેથી રજિસ્ટ્રેશન ફી પેટે ૩ થી ૫ હજાર રૂપિયા પડાવતી: લગ્નની વાત આગળ વધારવા પેકેજના નામે બીજા ૫ થી ૧૦ હજાર રૂપિયા પડાવતા: કોલ સેન્ટરની યુવતીઓને મહિને માત્ર ૫ થી ૬ હજારનો પગાર !

ગ્વાલિયર: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પોલીસે એક સનસનીખેજ 'મેરેજ સ્કેમ' (લગ્ન કૌભાંડ) પકડી પાડ્યું છે. ભાટીપુર વિસ્તારમાં ધમધમતા બે કોલ સેન્ટરો પર દરોડા પાડીને પોલીસે ૧૯ યુવતીઓની ધરપકડ કરી છે. આ ટોળકીએ દેશભરના ૧,૫૦૦ થી વધુ અપરિણીત યુવકોને લગ્નની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી.

 

મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં લગ્ન અપાવવાના બહાને અપરિણીત યુવકોને ફસાવતું એક મોટું રેકેટ પોલીસના હાથે ઝડપાયું છે. ગ્વાલિયર પોલીસને બાતમી મળી હતી કે ભાટીપુર વિસ્તારમાં કેટલાક કોલ સેન્ટરો ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે, જેનો ઉપયોગ લોકો સાથે છેતરપિંડી કરવા માટે થઈ રહ્યો છે.

 

પોલીસ અધિક્ષક (એસએસપી) ધર્મવીર સિંહની આગેવાનીમાં પોલીસ ટીમે ભાટીપુરમાં દરોડા પાડ્યા હતા. ત્યાં તપાસ દરમિયાન બે અલગ-અલગ કોલ સેન્ટરોમાંથી ૧૯ જેટલી યુવતીઓ મળી આવી હતી, જે ફોન પર યુવકો સાથે વાત કરી રહી હતી. પોલીસે તમામની અટકાયત કરી પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેઓ દેશના અલગ-અલગ રાજ્યોના યુવકોને લગ્નની લાલચ આપીને ઠગતા હતા.

 

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ રેકેટનો શિકાર બનેલા યુવકો માત્ર મધ્યપ્રદેશના જ નહીં, પરંતુ છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને બિહાર જેવા રાજ્યોના પણ છે. અત્યાર સુધીમાં અંદાજે ૧,૫૦૦ થી વધુ યુવકો આ ટોળકીનો ભોગ બન્યા હોવાનું મનાય છે. પોલીસે ઘટનાસ્થળેથી લેપટોપ, મોબાઈલ અને અન્ય દસ્તાવેજો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 

આ મેરેજ કૌભાંડમાં યુવકોને ફસાવવા માટે સુંદર મોડેલના ફોટા બતાવવામાં આવતા હતા, પરંતુ હકીકતમાં વાત કરનારી યુવતીઓ અલગ જ હતી. પકડાયેલી યુવતીઓને નજીવા પગાર સાથે છેતરપિંડીની રકમ પર ૧૦ ટકા ઈન્સેન્ટિવ (કમિશન) અપાતું હતું. મુખ્ય સૂત્રધાર તરીકે રાખી ગૌડ અને સીતા ઉર્ફે શીતલ ચૌહાણના નામ સામે આવ્યા છે.

 

ગ્વાલિયર પોલીસે પકડેલા મેરેજ બ્યુરો કૌભાંડમાં ઠગાઈની રીત (મોડસ ઓપરેન્ડી) જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તપાસમાં ખૂલેલી વિગતો મુજબ, આ કોલ સેન્ટરમાં કામ કરતી યુવતીઓને ગ્રાહકો (યુવકો) સાથે વીડિયો કોલ કરવાની સખત મનાઈ હતી. તેનું કારણ એ હતું કે યુવકોને વોટ્સએપ પર જે ફોટા મોકલવામાં આવતા હતા તે કોઈ સુંદર હિરોઈન કે મોડેલ જેવા દેખાતા હતા, જ્યારે ફોન પર વાત કરનારી યુવતીઓ તે ફોટાવાળી નહોતી. જો વીડિયો કોલ કરે તો ભાંડો ફૂટી જાય, તેથી માત્ર વોઈસ કોલ પર જ વાત કરવામાં આવતી હતી.

 

આ રેકેટ ચલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર બે યુવતીઓ રાખી ગૌડ (ઉંમર ૨૪) અને સીતા ઉર્ફે શીતલ ચૌહાણ (ઉંમર ૨૬) હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. તેઓ યુવકો પાસેથી રજિસ્ટ્રેશન ફી પેટે શરૂઆતમાં ૩ થી ૫ હજાર રૂપિયા પડાવતી હતી. ત્યારબાદ લગ્નની વાત આગળ વધારવા કે પેકેજના નામે બીજા ૫ થી ૧૦ હજાર રૂપિયા મંગાવવામાં આવતા હતા.

આ કોલ સેન્ટરમાં કામ કરતી અન્ય યુવતીઓને મહિને માત્ર ૫ થી ૬ હજાર રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો. 

 

જોકે, તેમને યુવકોને ફસાવીને જેટલા રૂપિયા પડાવે તેના પર ૧૦ ટકા કમિશન (ઈન્સેન્ટિવ) આપવાની લાલચ આપવામાં આવતી હતી, જેના કારણે તેઓ વધુને વધુ યુવકોને ટાર્ગેટ કરતી હતી. યુવકોના ડેટા અને ફોન નંબર 'તિલેશ્વર પટેલ' નામના વ્યક્તિ દ્વારા અલગ-અલગ વેબસાઇટ અને મેરેજ બ્યુરો પરથી મેળવીને પૂરા પાડવામાં આવતા હતા.

 

(11:14 AM IST)