<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

વૈષ્ણોદેવી યાત્રામાટે શ્રાઈન બોર્ડના કડક નિયમોઃ હવે 'ટાઈમ લિમિટ'માં પૂર્ણ કરવી પડશે યાત્રા

RFID કાર્ડ મેળવ્યા બાદ વિલંબ કરનારાઓને દર્શન વગર પરત ફરવું પડશે ભકતોના ભારે ધસારાને પહોંચી વળવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા ૧૦ અને ૨૪ કલાકનો નવો ફોર્મ્યુલા લાગુ

કટરા, તા.૨૪: જો તમે વર્ષ ૨૦૨૬ના પ્રારંભે માતા વૈષ્ણો દેવીના દરબારમાં શીશ ઝુકાવવાનું આયોજન કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે એલાર્મ સમાન છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડએ નવા વર્ષ દરમિયાન ઉમટતી લાખોની મેદનીને નિયંત્રિત કરવા માટે યાત્રાના નિયમોમાં ઐતિહાસિક ફેરફારો કર્યા છે. આ વખતે યાત્રા શરૂ કરવાથી લઈને પરત ફરવા સુધીના દરેક કલાકનો હિસાબ રાખવામાં આવશે. આ કડક પગલાં પાછળનો મુખ્ય હેતુ ભવન પર થતી બિનજરૂરી ભીડને રોકવાનો અને કોઈ પણ પ્રકારની દુર્ઘટનાને ટાળવાનો છે, જેથી દરેક ભકત સુરક્ષિત રીતે માના આશીર્વાદ મેળવી શકે.

નવા ટાઈમ ફ્રેમ મુજબ, શ્રદ્ધાળુઓએ હવે રેડિયો ફ્રીકવન્સી આઇડેન્ટિફિકેશન કાર્ડ મેળવ્યાના માત્ર ૧૦ કલાકની અંદર બાણગંગા અથવા તારાકોટ માર્ગેથી ચઢાણ શરૂ કરી દેવું પડશે. જો કોઈ ભકત કાર્ડ ઈશ્યુ થયાના ૧૦ કલાક બાદ પણ એન્ટ્રી પોઈન્ટ પર નહીં પહોંચે, તો તેનું ડિજિટલ કાર્ડ આપમેળે બ્લોક થઈ જશે અને તેને ફરીથી રજીસ્ટ્રેશનની લાંબી લાઈનમાં ઉભા રહેવું પડી શકે છે. આ નિયમ એટલા માટે લાવવામાં આવ્યો છે જેથી બેઝ કેમ્પ કટરામાં ભકતોનો બિનજરૂરી જમાવડો ન થાય અને યાત્રાનો પ્રવાહ સતત ચાલુ રહે.

યાત્રા પૂર્ણ કરવા માટે પણ શ્રાઈન બોર્ડે ૨૪ કલાકનો નિયમ બનાવ્યો છે. ભકતોએ ચઢાણ શરૂ કર્યાના ૨૪ કલાકની અંદર દર્શન કરીને પરત કટરા બેઝ કેમ્પ પહોંચવું અનિવાર્ય છે. ભવન (મુખ્ય મંદિર) અને તેની આસપાસના વિસ્તારોમાં હવે શ્રદ્ધાળુઓને ઘણા દિવસો સુધી રોકાવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બોર્ડનું માનવું છે કે ભવન પર રહેવાની જગ્યા મર્યાદિત હોવાથી, જો દર્શન કરનારા ભકતો તરત જ નીચે ઉતરવાનું શરૂ કરે, તો પાછળથી આવતા હજારો મુસાફરોને દર્શન માટે પૂરતી જગ્યા અને સમય મળી રહે છે.

(2:40 PM IST)