News of Wednesday, 24th December 2025
ચેસના મેદાનમાં પ્રજ્ઞાનંધા અને અનીશ ગિરીનો જાદુ: મુંબઈમાં ત્રિવેણી કિંગ્સને મ્હાત આપી આલ્પાઇન એસજી પાઇપર્સ બન્યું ગ્લોબલ ચેસ લીગનું નવું ચેમ્પિયન
ફાઈનલના રોમાંચક જંગમાં પાઇપર્સે ડિફેન્ડિંગ ચેમ્પિયનને પછાડ્યું; અનીશ ગિરી 'મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર' તરીકે ચમક્યો

મુંબઈ: બુદ્ધિ અને વ્યૂહરચનાની રમત ચેસમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર્સનો દબદબો ફરી એકવાર વિશ્વ સ્તરે સાબિત થયો છે. મુંબઈના આંગણે રમાયેલી ‘ગ્લોબલ ચેસ લીગ 2025’ (સીઝન 3) ની હાઈ-વોલ્ટેજ ફાઇનલમાં આલ્પાઇન એસજી પાઇપર્સે શાનદાર પ્રદર્શન કરતા ડિફેન્ડિંગ ચેમ્પિયન ત્રિવેણી કોન્ટિનેંટલ કિંગ્સને ધૂળ ચટાડીને ટાઇટલ પોતાના નામે કરી લીધું છે.
ગઈકાલે રમાયેલી આ ખિતાબી જંગમાં પાઇપર્સની ટીમે શરૂઆતથી જ પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. પ્રથમ મેચમાં પાઇપર્સે ત્રિવેણી કોન્ટિનેંટલ કિંગ્સ સામે 4-2 થી વિજય મેળવીને મજબૂત પકડ બનાવી હતી. આ મેચમાં અલીરેઝા ફિરોઝા અને ફેબિયાનો કારુઆના વચ્ચે તીવ્ર વ્યૂહાત્મક યુદ્ધ જોવા મળ્યું હતું. જોકે, પાઇપર્સ તરફથી અનીશ ગિરીએ વેઇ યી સામે રમતનો એવો માસ્ટરક્લાસ રજૂ કર્યો કે સામી ટીમ લાચાર બની ગઈ હતી.
બીજી મેચમાં પણ આલ્પાઇન એસજી પાઇપર્સનો વિજય રથ અટક્યો નહોતો અને તેમણે 4.5-1.5 ના મોટા અંતરથી જીત મેળવી ટાઇટલ કબજે કર્યું હતું. ભારતનો યુવા સ્ટાર આર પ્રજ્ઞાનંધા જ્યારે ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે ખરા અર્થમાં સંકટમોચક સાબિત થયો હતો. તેણે વિદિત ગુજરાતી સામે માત્ર 35 ચાલમાં એવી રણનીતિ ગોઠવી કે વિદિતે હાર સ્વીકારવી પડી હતી.
આ સમગ્ર ફાઇનલના અસલી હીરો અનીશ ગિરી રહ્યા હતા. કાળા મહોરાં (બ્લેક) સાથે રમીને પોતાની બંને મહત્વની ગેમ્સ જીતનાર અનીશ ગિરીને ફાઇનલના ‘સૌથી મૂલ્યવાન ખેલાડી’ (Most Valuable Player) તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આ જીત સાથે જ આલ્પાઇન એસજી પાઇપર્સે પ્રથમ વખત ગ્લોબલ ચેસ લીગની ટ્રોફી ઉઠાવીને ઈતિહાસ રચી દીધો છે.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
