<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

બાંગ્લાદેશમાં લોકશાહીના ચોથા સ્તંભ પર ખતરો: વરિષ્ઠ પત્રકાર નાઝનીન મુન્નીને હટાવવા માટે વિદ્યાર્થીઓનું અલ્ટીમેટમ; 'ગ્લોબલ ટીવી'ની ઓફિસ ફૂંકી મારવાની ધમકી

વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ પડોશી દેશમાં હિંસાનો નવો દોર; મીડિયા હાઉસ પર હુમલા અને આગચંપીની ઘટનાઓથી પત્રકારોમાં ભારે ફફડાટ

ઢાકા: બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની જ્વાળાઓ હવે મીડિયા હાઉસ સુધી પહોંચી ગઈ છે. તાજેતરમાં બે મોટા અખબારો પર થયેલા હુમલા બાદ, હવે ઢાકા સ્થિત 'ગ્લોબલ ટીવી બાંગ્લાદેશ'ની ઓફિસને નિશાન બનાવવામાં આવી છે. ઉગ્ર વિદ્યાર્થીઓના એક જૂથે ચેનલના ન્યૂઝ હેડ અને જાણીતા એન્કર નાઝનીન મુન્નીને તાત્કાલિક પદ પરથી હટાવવાની માંગ સાથે ઓફિસ સળગાવી દેવાની ખુલ્લી ધમકી આપી છે.
કોણ છે નાઝનીન મુન્ની અને શું છે વિવાદ?
નાઝનીન મુન્ની બાંગ્લાદેશના પત્રકારત્વ જગતનું એક જાણીતું નામ છે. વિરોધ કરી રહેલા યુવાનોનો આરોપ છે કે મુન્ની પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી 'આવામી લીગ'ની સમર્થક છે. જોકે, ચેનલ મેનેજમેન્ટે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. નાઝનીને પોતે સોશિયલ મીડિયા પર આ ઘટનાની વિગતો શેર કરતા જણાવ્યું કે, પત્રકારોને ડરાવવા માટે આ એક સંગઠિત કાવતરું છે. વિદ્યાર્થીઓએ ધમકી આપી છે કે જો મુન્નીને હટાવવામાં નહીં આવે તો ગ્લોબલ ટીવીની હાલત પણ 'પ્રથમ આલો' અને 'ધ ડેઇલી સ્ટાર' જેવી થશે, જેમના કાર્યાલયો પર અગાઉ હુમલા થયા હતા.
વિદ્યાર્થી નેતાની હત્યાથી ભભકી આગ
આ સમગ્ર વિવાદના મૂળમાં કટ્ટર ભારત વિરોધી વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા છે. ૨૦૨૪ના આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર હાદીની અજાણ્યા બાઇક સવાર હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. વિદ્યાર્થીઓનો આક્રોશ એ વાત પર છે કે ગ્લોબલ ટીવીએ હાદીના સમાચારને પૂરતું મહત્વ આપ્યું નથી. 'ઇન્કલાબ મંચ' નામના સંગઠને હવે મુહમ્મદ યુનુસ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે જો હાદીની હત્યાનો ભેદ નહીં ઉકેલાય, તો તેઓ આગામી વર્ષની સંસદીય ચૂંટણીઓ યોજવા દેશે નહીં.
યુનુસ સરકાર દબાણમાં, વધુ એક નેતા પર હુમલો
બાંગ્લાદેશની સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ખુલના શહેરમાં વધુ એક વિદ્યાર્થી નેતાને માથામાં ગોળી મારી દેવામાં આવી. સતત વધતા હિંસક વિરોધને શાંત કરવા માટે વચગાળાની સરકારે હાદી હત્યા કેસમાં ફાસ્ટ-ટ્રેક ટ્રાયલની જાહેરાત કરી છે. એક તરફ સરકાર ભારત સાથેના સંબંધો સુધારવા ચોખાની ખરીદી કરી રહી છે, તો બીજી તરફ દેશની અંદર લોકશાહી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જોખમમાં મુકાઈ ગઈ છે.
આંતરરાષ્ટ્રીય પત્રકાર સંગઠનોએ આ ઘટનાની આકરી નિંદા કરી છે અને પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ કરી છે. બાંગ્લાદેશમાં હવે પત્રકારત્વ કરવું એ જીવનું જોખમ ખેડવા સમાન બની રહ્યું છે.

(7:44 PM IST)