ટેસ્લા કાર બની 'ડેથ ટ્રેપ': સ્ટાઇલિશ દરવાજા ખોલવામાં નિષ્ફળ રહેતા 15 મુસાફરો જીવતા ભૂંજાયા!
બ્લૂમબર્ગના ચોંકાવનારા રિપોર્ટમાં દાવો: અકસ્માત સમયે ઈલેક્ટ્રિક બટનો જામ થઈ જવાથી લોકો કારમાં કેદ થયા: એલોન મસ્કને જોખમની જાણ હોવા છતાં ડિઝાઇન માટે સુરક્ષા સાથે બાંધછોડ કર્યાનો ગંભીર આરોપ

સેન ફ્રાન્સિસ્કો: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ભયાનક વિવાદોમાં ઘેરાઈ છે. 'ફ્યુચરિસ્ટિક' અને સ્ટાઇલિશ દેખાવા માટે ટેસ્લાએ જે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, તે હવે મુસાફરો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. તાજેતરના બ્લૂમબર્ગ રિપોર્ટ અનુસાર, ટેસ્લા કારમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 15 લોકોએ માત્ર એટલા માટે જીવ ગુમાવ્યા છે કારણ કે અકસ્માત બાદ કારના ઇલેક્ટ્રિક દરવાજા ખુલ્યા નહોતા. ટેસ્લામાં દરવાજા ખોલવા માટે પરંપરાગત વાયરને બદલે 12-વોલ્ટની બેટરીથી ચાલતા બટનો હોય છે. જ્યારે અકસ્માતમાં આ બેટરી ડિસ્કનેક્ટ થઈ જાય છે, ત્યારે કાર એક લોખંડની પેટી સમાન બની જાય છે અને અંદર ફસાયેલા લોકો બહાર નીકળી શકતા નથી.
ચોંકાવનારી બાબત એ છે કે આ 15 મૃત્યુમાંથી અડધાથી વધુ કિસ્સાઓ નવેમ્બર 2024 પછી નોંધાયા છે. ઘણા અકસ્માતોમાં મુસાફરો સામાન્ય ઈજા સાથે બચી ગયા હતા, પરંતુ કારમાં લાગેલી આગ અને લૉક થઈ ગયેલા દરવાજાને કારણે તેઓ જીવતા ભડથું થઈ ગયા હતા. જોકે ટેસ્લામાં મેન્યુઅલ અનલોકિંગ લિવર આપવામાં આવ્યા છે, પરંતુ તે એવી જગ્યાએ છુપાયેલા છે કે ઈમરજન્સી અને ધુમાડાની સ્થિતિમાં તેને શોધવા લગભગ અશક્ય છે. કેલિફોર્નિયામાં સાયબરટ્રકના એક અકસ્માતમાં મજબૂત કાચ અને જામ થયેલા દરવાજાને કારણે ત્રણ વિદ્યાર્થીઓ બહાર ન નીકળી શકતા કરૂણ મૃત્યુ પામ્યા હતા, જે ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે એલોન મસ્ક અને કંપનીના ટોચના અધિકારીઓને 2017માં જ એન્જિનિયરોએ આ ખામી વિશે ચેતવણી આપી હતી. આમ છતાં, ડિઝાઇનમાં ફેરફાર કરવાને બદલે સુંદરતાને પ્રાથમિકતા આપવામાં આવી હતી. અમેરિકાની સરકારી એજન્સી NHTSA એ સપ્ટેમ્બર 2025માં આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરી છે અને અનેક પરિવારોએ ટેસ્લા પર કાનૂની મુકદ્દમા દાખલ કર્યા છે. ટેસ્લાએ તેની વેબસાઇટ પર ઓટોમેટિક અનલોકિંગની નવી સુવિધાનો દાવો તો કર્યો છે, પરંતુ કરોડો જૂની કારોનું શું થશે અને બેટરી ફેલિયર વખતે આ સિસ્ટમ કેવી રીતે કામ કરશે, તે અંગે હજુ પણ રહસ્ય અકબંધ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
