<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

જો હાદીને ન્યાય નહીં મળે તો તમારે પણ દેશ છોડીને ભાગવું પડશે : ઉસ્માન હાદીની હત્યા પાછળ યુનુસ સરકારનું કાવતરું? : ભાઈના સનસનીખેજ આરોપ

ચૂંટણીમાં વિલંબ કરવા અને સત્તા ટકાવી રાખવા માટે યુનુસ સરકારે જ ભાઈની સોપારી આપી હોવાનો શરીફ ઓમરેનો દાવો

ઢાકા: બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના શાસન હેઠળ અરાજકતાનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. જુલાઈના બળવામાં મહત્વની ભૂમિકા ભજવનાર 'ઇન્કિલાબ મંચ'ના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીના કરુણ મૃત્યુ બાદ તેમના ભાઈ શરીફ ઓમરેએ મુહમ્મદ યુનુસ સરકાર પર સીધો પ્રહાર કર્યો છે. ઢાકાના શાહબાગમાં આયોજિત એક વિશાળ વિરોધ રેલીમાં ઓમરેએ સનસનીખેજ આરોપ લગાવ્યો કે, તેમના ભાઈની હત્યા કોઈ અકસ્માત કે અજાણ્યા હુમલાખોરનું કૃત્ય નથી, પરંતુ યુનુસ સરકાર દ્વારા ઘડવામાં આવેલું એક સુનિયોજિત કાવતરું છે. ઓમરેના જણાવ્યા મુજબ, યુનુસ સરકાર ફેબ્રુઆરી 2026 માં યોજાનારી રાષ્ટ્રીય ચૂંટણીઓને મુલતવી રાખવા માંગે છે અને દેશમાં અશાંતિ ફેલાવી લાંબા સમય સુધી સત્તા પર ટકી રહેવા માટે આ હત્યાકાંડ આચરવામાં આવ્યો છે.

ઉસ્માન હાદી પર 12 ડિસેમ્બરે ઢાકામાં ઘાતક હુમલો થયો હતો, જેમાં તેમના માથામાં ગોળી વાગી હતી. સિંગાપોરમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા સમગ્ર બાંગ્લાદેશમાં આક્રોશની જ્વાળા ફાટી નીકળી છે. ઓમરેએ સરકારને આડે હાથ લેતા કહ્યું કે, જો હાદીના હત્યારાઓને ઝડપી સજા કરવામાં નહીં આવે અને ચૂંટણીનું વાતાવરણ સ્પષ્ટ નહીં કરાય, તો યુનુસે પણ શેખ હસીનાની જેમ બાંગ્લાદેશ છોડીને ભાગવું પડશે. ઇન્કિલાબ મંચના અન્ય નેતાઓ પણ આરોપ લગાવી રહ્યા છે કે, ઉસ્માન વિદેશી શક્તિઓ કે ગુપ્તચર એજન્સીઓ સામે ઝૂકવા તૈયાર નહોતા, તેથી જ આંતરરાષ્ટ્રીય ષડયંત્રના ભાગરૂપે તેમને રસ્તામાંથી હટાવી દેવામાં આવ્યા છે.

દુર્ભાગ્યવશ, આ રાજકીય હત્યાએ બાંગ્લાદેશમાં કોમી હિંસાને પણ વેગ આપ્યો છે. ઉસ્માન હાદીના મૃત્યુ બાદ ફાટી નીકળેલા રમખાણોમાં લઘુમતી હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા છે. 27 વર્ષીય દીપુ ચંદ્ર દાસની જે રીતે અમાનવીય હત્યા કરવામાં આવી, તેણે વિશ્વભરમાં માનવાધિકારના પ્રશ્નો ઉભા કર્યા છે. અત્યારે બાંગ્લાદેશની સ્થિતિ ફાટ-ફાટ થઈ રહી છે; એક તરફ સરકાર પર ચૂંટણી કરાવવાનું દબાણ છે, તો બીજી તરફ સત્તાના કોરિડોરમાં ચાલતા 'ડેથ ગેમ' ના આરોપોએ યુનુસ સરકારની વિશ્વસનીયતા પર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધું છે.

(10:32 PM IST)