<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

દેશમાં યુએસ એમ્બેસીને ત્રણ દિવસનું 'તાળું': ટ્રમ્પના ઓર્ડરથી વિઝા અને પાસપોર્ટની તમામ સેવાઓ ઠપ્પ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાતાલના તહેવાર નિમિત્તે એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કરી ફેડરલ કર્મચારીઓને આપી રજા : 24 થી 26 ડિસેમ્બર સુધી દિલ્હી સહિતના તમામ કોન્સ્યુલેટ બંધ રહેશે: હવે 27મીએ ફરી ખુલશે ઓફિસો.

નવી દિલ્હી:  જો તમે અમેરિકા જવા માટે વિઝા ઇન્ટરવ્યુ કે પાસપોર્ટની એપોઇન્ટમેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો તમારે થોડી વધુ ધીરજ ધરવી પડશે. ભારતમાં આવેલી યુએસ એમ્બેસી અને તમામ કોન્સ્યુલેટ્સ (દૂતાવાસો) આજથી એટલે કે 24 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી સતત ત્રણ દિવસ માટે બંધ રહેશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાતાલના પર્વને ધ્યાનમાં રાખીને એક વિશેષ 'એક્ઝિક્યુટિવ ઓર્ડર' પર હસ્તાક્ષર કર્યા છે, જેના કારણે વિશ્વભરમાં ફેલાયેલી અમેરિકન એજન્સીઓ અને ફેડરલ ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ આદેશને પગલે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને હૈદરાબાદમાં આવેલી યુએસ કોન્સ્યુલર સેવાઓ પણ સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવી છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ નિર્ણય કોઈ નવી વાત નથી, કારણ કે તેઓ પોતાના અગાઉના કાર્યકાળ (2018, 2019 અને 2020) દરમિયાન પણ નાતાલની આસપાસ કર્મચારીઓને આવી રજાઓ આપતા રહ્યા છે. આ વખતે 24 ડિસેમ્બર (બુધવાર) અને 26 ડિસેમ્બર (શુક્રવાર) ને પણ રજામાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે 25 ડિસેમ્બરે નાતાલની સત્તાવાર રજા હોય છે. દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે આ સમયગાળા દરમિયાન નિયમિત વિઝા ઇન્ટરવ્યુ કે દસ્તાવેજોની કામગીરી થશે નહીં. જે મુસાફરોની એપોઇન્ટમેન્ટ આ ત્રણ દિવસોમાં હતી, તેમને ઇમેઇલ દ્વારા નવી તારીખોની જાણ કરવામાં આવશે. જોકે, મેડિકલ ઇમરજન્સી કે મૃત્યુ જેવા ગંભીર કિસ્સાઓમાં મર્યાદિત કટોકટી સહાય માટે હેલ્પલાઇન કાર્યરત રહેશે.

અમેરિકન વિદેશ નીતિ અને વહીવટી તંત્રમાં ટ્રમ્પનો આ અંદાજ હંમેશા ચર્ચામાં રહ્યો છે. 2017 માં જ્યારે તેઓ પ્રથમવાર રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પણ નાતાલની પૂર્વસંધ્યાએ તેમણે ગોલ્ફ રમવાની સાથે સૈનિકો સાથે વાતચીત કરી હતી. હાલની સ્થિતિમાં, ભારતમાં વિઝા પ્રક્રિયામાં પહેલેથી જ લાંબો વેટિંગ પિરિયડ ચાલી રહ્યો છે, ત્યારે આ ત્રણ દિવસનો બંધાવ અનેક અરજદારો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તેમ છતાં, એમ્બેસીએ ખાતરી આપી છે કે 27 ડિસેમ્બર, શનિવારથી તમામ સેવાઓ રાબેતા મુજબ શરૂ થઈ જશે. અરજદારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરે અને માત્ર સત્તાવાર પોર્ટલ પરથી જ અપડેટ્સ મેળવે.

(10:33 PM IST)