<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

નરક જેવી જેલમાં બુશરા બીબી: ઉંદરો, જંતુઓ અને દૂષિત પાણી વચ્ચે પાકિસ્તાનની પૂર્વ 'ફર્સ્ટ લેડી'ની હાલત ગંભીર : UNએ આપી કડક ચેતવણી

બારી વગરની અંધારી કોટડીમાં 22 કલાકની એકાંત કેદ અને 15 કિલો વજનમાં ઘટાડો: સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાન સરકારને માનવાધિકારના ધજાગરા ઉડાવવા બદલ આડે હાથ લીધી, : શારીરિક અને માનસિક ત્રાસનો ગંભીર આક્ષેપ

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની જેલોમાં માનવીય ગૌરવના લીરેલીરા ઉડી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને જે હાલતમાં રાખવામાં આવ્યા છે, તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. સંયુક્ત રાષ્ટ્રના વિશેષ સંવાદદાતા એલિસ જીલ એડવર્ડ્સે પાકિસ્તાન સરકારને આડે હાથ લેતા જણાવ્યું છે કે, બુશરા બીબીની અટકાયતની સ્થિતિ તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. જેલમાં તેમને આપવામાં આવતી સુવિધાઓ ન્યૂનતમ માનવીય ધોરણોથી પણ નીચે હોવાના અહેવાલોએ પાકિસ્તાની ન્યાય પ્રણાલી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

બુશરા બીબી જે કોટડીમાં કેદ છે, તેની પરિસ્થિતિ કોઈ પણ વ્યક્તિને હચમચાવી દે તેવી છે. અહેવાલો મુજબ, તેમને એવી નાની અને બારી વગરની કોટડીમાં રાખવામાં આવ્યા છે જ્યાં ઉંદરો અને જંતુઓનો ભારે ત્રાસ છે. ભયાનક ગરમી અને વારંવાર વીજળી ગુલ થવાને કારણે અંધકારમય રહેતી આ કોટડી એકાંત કેદ સમાન બની ગઈ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, તેમને પીવા માટે દૂષિત પાણી અને ખાવા માટે અયોગ્ય, અત્યંત તીખું ભોજન આપવામાં આવે છે. આ અમાનવીય વ્યવહારને કારણે ટૂંકા ગાળામાં જ બુશરા બીબીનું વજન 15 કિલો જેટલું ઘટી ગયું છે, જે તેમની કથળતી જતી તબિયતનો સ્પષ્ટ પુરાવો છે.

સંયુક્ત રાષ્ટ્રે પાકિસ્તાનને તેની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ યાદ અપાવતા કહ્યું છે કે, કેદીની ઉંમર, લિંગ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અટકાયતની વ્યવસ્થા હોવી જોઈએ. દિવસના 22 કલાકથી વધુ સમય સુધી એકાંતમાં રાખવા, કસરત કે વાંચન પર પ્રતિબંધ મૂકવો એ મૂળભૂત માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. યુએનના પ્રતિનિધિએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે બુશરા બીબીની સલામતી અને ગૌરવ જાળવવાની સંપૂર્ણ જવાબદારી પાકિસ્તાની સત્તાવાળાઓની છે. જો પરિસ્થિતિમાં તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે, તો પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ અલગ-થલગ પડવાનો અને માનવાધિકાર ભંગના કડક સવાલોનો સામનો કરવો પડી શકે છે.

(10:35 PM IST)