અરવલ્લી બચાવવા કેન્દ્ર સરકારનો 'માસ્ટર સ્ટ્રોક': સમગ્ર પર્વતમાળામાં નવી માઇનિંગ લીઝ આપવા પર લાદ્યો સંપૂર્ણ પ્રતિબંધ; ગેરકાયદેસર ખાણકામ માફિયાઓ પર કસાયો સકંજો!
ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી અરવલ્લીની અખંડિતતા જાળવવા MoEF&CC નો મોટો આદેશ; ખાણકામ માટે 'નો-ગો' ઝોનનો વ્યાપ વધશે, પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે લીધો કડક નિર્ણય

નવી દિલ્હી : પર્યાવરણના જતન અને કુદરતી વારસાના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે એક મહત્વકાંક્ષી અને ક્રાંતિકારી પગલું ભર્યું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MoEF&CC) એ ગુજરાતથી શરૂ કરીને રાજસ્થાન અને હરિયાણા થઈને છેક દિલ્હી સુધી ફેલાયેલી સમગ્ર અરવલ્લી પર્વતમાળામાં કોઈપણ નવી ખાણકામ (Mining) લીઝ આપવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સૂચના જારી કરી છે.
સમગ્ર શ્રેણીને મળશે નવું જીવન
આ આદેશ માત્ર અમુક વિસ્તારો પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર અરવલ્લી પ્રદેશમાં એકસરખી રીતે લાગુ પડશે. મંત્રાલયનો ઉદ્દેશ્ય આ પર્વતમાળાને એક સતત ભૂસ્તરશાસ્ત્રીય શ્રેણી તરીકે સુરક્ષિત કરવાનો છે. છેલ્લા ઘણા સમયથી અનિયંત્રિત અને ગેરકાયદેસર ખાણકામને કારણે અરવલ્લીની ઇકોસિસ્ટમને ભારે નુકસાન પહોંચ્યું હતું, જેને રોકવા માટે આ 'બ્રેકિંગ' નિર્ણય લેવામાં આવ્યો છે.
નવા 'નો-ગો' વિસ્તારોની થશે ઓળખ
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે સ્પષ્ટ કર્યું છે કે પર્યાવરણની અવગણના સહન કરવામાં આવશે નહીં. મંત્રાલયે 'ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદ' (ICFRE) ને આદેશ આપ્યો છે કે તેઓ અરવલ્લીમાં એવા વધારાના ઝોન ઓળખે જ્યાં ખાણકામ પર કાયમી પ્રતિબંધ હોવો જોઈએ. આ વિસ્તારો ઇકોલોજીકલ અને લેન્ડસ્કેપ મહત્વના આધારે નક્કી કરવામાં આવશે. ICFRE હવે આખા પ્રદેશ માટે એક વૈજ્ઞાનિક 'સસ્ટેનેબલ માઇનિંગ મેનેજમેન્ટ પ્લાન' તૈયાર કરશે.
વર્તમાન ખાણો પર પણ કડક નજર
સરકારે માત્ર નવી લીઝ પર જ પ્રતિબંધ નથી મૂક્યો, પરંતુ જે ખાણો હાલમાં કાર્યરત છે તેના પર પણ નિયંત્રણો કડક કર્યા છે. રાજ્ય સરકારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ સુનિશ્ચિત કરે કે વર્તમાન ખાણકામમાં સુપ્રીમ કોર્ટના આદેશો અને પર્યાવરણીય સલામતીના નિયમોનું અક્ષરશઃ પાલન થાય. જો કોઈ પણ નિયમનો ભંગ થશે, તો ચાલુ ખાણકામ પર પણ વધારાના પ્રતિબંધો મૂકવામાં આવશે.
અરવલ્લીનું મહત્વ કેમ છે?
અરવલ્લી પર્વતમાળા માત્ર પથ્થરોનો ઢગલો નથી, પરંતુ તે રણીકરણ (Desertification) સામે લડવા માટે એક કુદરતી દીવાલ છે. તે જૈવવિવિધતાનું રક્ષણ કરે છે અને ભૂગર્ભ જળચરોને રિચાર્જ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સરકારની આ પ્રતિબદ્ધતા લાંબા ગાળે આ વિસ્તારની ઇકોસિસ્ટમને બચાવવામાં સંજીવની સમાન સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
