'તમે મને દહેજમાં આખું પાકિસ્તાન આપી દયો'
એક પાકિસ્તાની મહિલા પત્રકારે અટલજીને કહયું હતું કે મુઝશે શાદી કરોગે? મારે ભેટમાં કાશ્મીર આપવું પડશે તો હાજર જવાબી વાજપેઈએ આખો દેશ માંગી લીધો

લખનૌ, તા.૨૫: ભારતના રાજકારણના આકાશમાં ધ્રુવતારાની જેમ ચમકતા અટલ બિહારી વાજપેયી માત્ર એક નેતા જ નહીં, પણ એક કવિ હૃદય ધરાવતા અજોડ વકતા હતા. તેમની ૧૦૧મી જન્મજયંતિ પર લખનૌમાં આયોજિત એક કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે એક દિલચસ્પ કિસ્સો યાદ કર્યો. તેમણે જણાવ્યું કે અટલજી જ્યારે પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા, ત્યારે ત્યાંની એક મહિલા પત્રકારે તેમને સીધો લગ્નનો પ્રસ્તાવ મૂકતા કહ્યું હતું કે, હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ દહેજમાં મારે કાશ્મીર જોઈએ. ત્યારે હાજરજવાબી અટલજીએ જરા પણ ખચકાયા વિના મનમોહક સ્મિત સાથે જવાબ આપ્યો હતો કે, મને તમારા લગ્નનો પ્રસ્તાવ મંજૂર છે, પણ મારે દહેજમાં આખું પાકિસ્તાન જોઈએ! વાજપેયીના આ શબ્દોએ તે સમયે પાકિસ્તાની મીડિયાને ચૂપ કરી દીધું હતું અને આજે પણ આ કિસ્સો સાંભળીને ભારતીયોનું મસ્તક ગર્વથી ઊંચું થઈ જાય છે.
રાજનાથ સિંહે અટલજીના વ્યકિતત્વનું વર્ણન કરતા કહ્યું કે તેઓ પદથી નહીં પણ પોતાના કાર્યો અને ચારિત્ર્યથી મહાન હતા. વાજપેયીજીનું કદ વડાપ્રધાનના હોદ્દા કરતા પણ ઘણું ઊંચું હતું, જેનો પુરાવો એ છે કે આજે પણ તેમની ગેરહાજરીમાં લોકો એટલી જ આસ્થા અને પ્રેમથી તેમને શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડે છે. તેમણે ઉમેર્યું કે જાહેર જીવનની ગમે તેવી ઉથલપાથલ હોય, અટલજીએ ક્યારેય પોતાની નમ્રતા અને જીવંતતા ગુમાવી નહોતી. કોઈ પણ નાના મનથી મહાન બનતું નથી – અટલજીના આ શબ્દો આજે પણ લાખો રાજકારણીઓ અને સામાન્ય નાગરિકો માટે માર્ગદર્શક સાબિત થાય છે.
અટલજીના વિદ્યાર્થીકાળની સ્મૃતિઓ તાજી કરતા રાજનાથ સિંહે જણાવ્યું કે જ્યારે તેઓ ધોરણ ૧૦માં હતા, ત્યારે જ તેમણે પોતાની સુ-સિદ્ધ કવિતા હિન્દુ તન મન, હિન્દુ જીવન, રાગ રાગ હિન્દુ મેરા પરિચય લખી હતી. આ કવિતા સાંભળીને તે સમયના મોટા વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે આ લેખક કોઈ સામાન્ય વ્યકિત નથી પણ ભારતનું ભાગ્ય લખનાર મહાપુરુષ છે. ૧૯૪૨માં કાલીચરણ કોલેજમાં ય્લ્લ્ના વડા એમ.એસ. ગોલવલકર (ગુરુજી)ની હાજરીમાં જ્યારે તેમણે આ કવિતા વાંચી હતી, ત્યારે આખું ઓડિટોરિયમ લાંબા સમય સુધી તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.
ભારત રત્ન વાજપેયીના ૧૦૧ વર્ષના આ સ્મૃતિ પર્વ પર દેશ તેમને એક એવા નેતા તરીકે યાદ કરી રહ્યો છે જેમણે પોખરણ પરમાણુ પરીક્ષણથી ભારતની શકિતનો પરિચય કરાવ્યો અને બસ પ્રવાસ દ્વારા શાંતિનો સંદેશ પણ આપ્યો. રાજનાથ સિંહે ભારપૂર્વક કહ્યું કે અટલજીએ લોકોના મન પર જે ઊંડી છાપ છોડી છે તેને સમય ક્યારેય ભૂંસી શકશે નહીં. તેમની કવિતાઓ આજે પણ ભારતની સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદનો અવાજ બનીને ગુંજતી રહે છે. લખનૌની આ સાંજ અટલજીની કવિતાઓ અને તેમના પ્રેરણાદાયી જીવનના સંસ્મરણોથી મહેકી ઉઠી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
