<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

રાજનીતિમાં 'દુશ્મની' નહીં પણ 'મિત્રતા'ના હિમાયતી હતા અટલજી: જાણો શા માટે વિરોધીઓ પણ તેમની વાણીના કાયલ હતા?

"સરકારો આવશે અને જશે, પણ દેશ રહેવો જોઈએ": લોકશાહીના મૂલ્યો અને વિપક્ષ સાથેના સૌહાર્દપૂર્ણ સંબંધો પર અટલ બિહારી વાજપેયીના એ ઐતિહાસિક વિચારો

નવી દિલ્હી, તા. 25 : ભારતીય રાજનીતિના આકાશમાં એક અવિરત ચમકતા સિતારા સમાન પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતિ છે. આજના આક્રમક રાજકીય વાતાવરણમાં, જ્યાં પક્ષો વચ્ચે તીખા પ્રહારો સામાન્ય બન્યા છે, ત્યારે અટલજીનો એક મંત્ર આજે પણ પથદર્શક સાબિત થાય છે: "રાજકારણમાં વિરોધીઓ માત્ર હરીફ છે, દુશ્મન નથી."
અટલજી દ્રઢપણે માનતા હતા કે લોકશાહીમાં વિચારોનો મતભેદ હોવો એ જીવંત લોકશાહીની નિશાની છે, પરંતુ તે મતભેદ ક્યારેય વ્યક્તિગત મનભેદમાં ન બદલાવો જોઈએ. તેમનો અભિગમ હતો કે રાષ્ટ્રના હિત માટે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે સંવાદનો સેતુ ક્યારેય તૂટવો ન જોઈએ. તેમની આ ઉદારતાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે કોંગ્રેસના વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવે વિપક્ષમાં હોવા છતાં અટલજીને સંયુક્ત રાષ્ટ્ર (UN) માં ભારતનો પક્ષ રાખવા મોકલ્યા હતા. આ ઘટનાએ પાકિસ્તાન સહિત આખા વિશ્વને ચોંકાવી દીધું હતું કે ભારત જ્યારે રાષ્ટ્રહિતની વાત આવે ત્યારે એકજૂથ છે.
ઐતિહાસિક ભાષણની એ યાદગાર ક્ષણો
28 મે, 1996 ના રોજ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન અટલજીએ ગર્જના કરી હતી કે, "દેશમાં સાંપ્રદાયિક કે જાતિગત રેખાઓ પર ધ્રુવીકરણ ન થવું જોઈએ." તેમણે સ્પષ્ટ કર્યું હતું કે રાજકારણ બે એવા જૂથોમાં ન વહેંચાવું જોઈએ કે જેઓ એકબીજા સાથે વાત કરવાનું પણ બંધ કરી દે. તેમનું એ વાક્ય આજે પણ સંસદની દિવાલોમાં ગુંજે છે: "સરકારો આવશે અને જશે, પાર્ટીઓ બનશે અને બગડશે, પરંતુ આ દેશ રહેવો જોઈએ, આ દેશની લોકશાહી અમર રહેવી જોઈએ."
આજના સમયમાં, જ્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે ખેંચતાણ અને વ્યક્તિગત હુમલાઓ વધી રહ્યા છે, ત્યારે અટલ બિહારી વાજપેયીની આ દૂરંદેશી અને 'સહુને સાથે લઈને ચાલવાની' નીતિ વધુ સુસંગત લાગે છે. તેમના માટે રાજનીતિ એ સત્તા મેળવવાનું સાધન નહીં, પણ રાષ્ટ્ર સેવાનું માધ્યમ હતું.

(5:42 PM IST)