કેનેડામાં બદલાયો વધુ એક નિયમ 8:11 PM
પંજાબની 'જાબાઝ' દીકરી સામે લૂંટારો પડ્યો નબળો: છરી બતાવીને ધમકાવ્યો તો યુવતીએ માસ્ક ખેંચી લીધું, ડરના માર્યા હથિયાર ફેંકીને ભાગ્યો લૂંટારો!
મોતના ડર પર ભારે પડી હિંમત: લુધિયાણામાં મની ટ્રાન્સફર ઓફિસમાં સોની વર્માએ એકલા હાથે લૂંટને નિષ્ફળ બનાવી, બહાદુરીના CCTV વિડિઓ વાયરલ

લુધિયાણા, તા. 25 : કહેવાય છે કે 'હિંમતે મર્દા તો મદદે ખુદા', આ ઉક્તિને પંજાબના લુધિયાણાની 22 વર્ષીય દીકરી સોની વર્માએ સાચી સાબિત કરી દીધી છે. લુધિયાણાના હામ્બ્રા રોડ પર આવેલી એક મની ટ્રાન્સફર ઓફિસમાં જ્યારે એક નકાબધારી લૂંટારો હાથમાં ધારદાર છરી લઈને ત્રાટક્યો, ત્યારે તેણે ધાર્યું પણ નહીં હોય કે અંદર બેઠેલી સામાન્ય દેખાતી યુવતી તેના માટે કાળ સાબિત થશે. સોનીએ માત્ર પોતાની અને ઓફિસની રોકડ જ ન બચાવી, પણ લૂંટારાને એવો પાઠ ભણાવ્યો કે તે પોતાનું હથિયાર પણ ત્યાં જ છોડીને ભાગી છૂટ્યો હતો.
ઘટનાની વિગત એવી છે કે 22 ડિસેમ્બરે સવારે સોની ઓફિસમાં એકલી હતી ત્યારે અચાનક એક લૂંટારો ઘૂસી આવ્યો હતો. તેણે સોનીને છરી બતાવીને ધમકાવી અને બધી રોકડ એક પરબિડીયામાં ભરી દેવા કહ્યું. સોની શરૂઆતમાં થોડી ગભરાઈ પણ તેણે તરત જ મન મક્કમ કરી લીધું. જ્યારે લૂંટારાએ પોતે જ કેશ બોક્સમાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો, ત્યારે સોની તેના પર ત્રાટકી હતી. તેણે લૂંટારાનો હાથ પકડી નીચે ખેંચ્યો અને તેના ચહેરા પરથી માસ્ક હટાવવાની કોશિશ કરી. યુવતીના આ અચાનક વળતા હુમલા અને તેની જોરદાર ચીસોથી લૂંટારો ફફડી ઉઠ્યો હતો.
બહાર ભીડ જોતી રહી, પણ દીકરી એકલી લડી
સોની વર્માએ જણાવ્યું કે જ્યારે તે લૂંટારાનો સામનો કરી રહી હતી અને તેને પકડવા માટે બૂમો પાડી રહી હતી, ત્યારે બહાર લોકોની ભીડ હાજર હતી, પણ કોઈ પણ વ્યક્તિ તેની મદદ માટે આગળ આવ્યું નહીં. જો લોકોએ થોડી હિંમત બતાવી હોત તો લૂંટારો ઘટનાસ્થળે જ પકડાઈ ગયો હોત. જોકે, સોનીની નિર્ભયતા જોઈને લૂંટારો એટલો ગભરાઈ ગયો હતો કે તે એક રૂપિયો પણ લીધા વગર પોતાની છરી ફેંકીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો.
આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. પોલીસ અધિકારી ગુરચરણજીત સિંહે જણાવ્યું કે યુવતીની બહાદુરી ખરેખર પ્રશંસનીય છે. જોકે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાઈ નહોતી, પરંતુ વિડિઓ સામે આવ્યા બાદ પોલીસે તપાસ તેજ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારાને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પંજાબની આ દીકરીએ સાબિત કરી દીધું છે કે હિંમત હોય તો ગમે તેવા જોખમનો સામનો કરી શકાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
