<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

સાહિબઝાદાઓની શહાદતને નમન: 'વીર બાલ દિવસ' પર અમિતભાઈ શાહે ગુરુ તેગ બહાદુરને ગણાવ્યા 'હિંદની ચાદર', કહ્યું- જો તેઓ ન હોત તો આજે કોઈ હિન્દુ ન હોત!

પંચકુલામાં શક્તિ પ્રદર્શન: ગૃહમંત્રીએ 5,000 પોલીસકર્મીઓની પરેડને સલામી આપી, 1984ના પીડિતોને નોકરીના પત્રો સોંપ્યા અને 'ભારત ટેક્સી' ની કરી મોટી જાહેરાત

પંચકુલા, તા. 25 : હરિયાણાની પવિત્ર ધરતી પંચકુલામાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે એક સાથે અનેક કાર્યક્રમોમાં હાજરી આપીને રાષ્ટ્રભક્તિ અને સેવાના મૂલ્યોને ઉજાગર કર્યા છે. 'વીર બાલ દિવસ' ના અવસરે મુઘલો સામે લડનારા ગુરુ ગોવિંદ સિંહના સાહિબઝાદાઓની શહાદતને યાદ કરતા અમિતભાઈ શાહ ભાવુક થયા હતા. તેમણે ગર્વથી કહ્યું કે, ગુરુ તેગ બહાદુરજી 'પંજાબની ચાદર' નહીં પણ 'હિંદની ચાદર' છે. જો તેમણે કાશ્મીરી પંડિતોને બચાવવા પોતાનું બલિદાન ન આપ્યું હોત, તો આજે ભારતમાં હિન્દુ ધર્મનું અસ્તિત્વ જ ન હોત.
ગૃહમંત્રીએ પીએમ મોદીના કાર્યકાળને ગુરુઓની કૃપા ગણાવતા કહ્યું કે, પ્રથમથી દસમા ગુરુ સુધીના તમામના માનમાં જે ભવ્ય કાર્યક્રમો યોજાયા છે તે ઐતિહાસિક છે. આ પ્રસંગે તેમણે 1984ના શીખ વિરોધી રમખાણોથી પ્રભાવિત પરિવારોના સભ્યોને સરકારી નોકરીના નિમણૂક પત્રો સોંપીને ન્યાયનો વિશ્વાસ અપાવ્યો હતો. તેમણે સાહિબઝાદાઓના બલિદાન પર આધારિત એક ખાસ કોફી ટેબલ બુકનું પણ વિમોચન કર્યું હતું.
ડ્રાઈવરો માટે 'ભારત ટેક્સી'ની જાહેરાત અને પોલીસ પરેડ
અમિતભાઈ શાહે માત્ર ઈતિહાસની જ નહીં, ભવિષ્યની પણ વાત કરી હતી. તેમણે સહકારી સંમેલનમાં જાહેરાત કરી કે સરકાર એક મહિનામાં 'ભારત ટેક્સી' સેવા શરૂ કરશે. આ સેવાનો તમામ નફો વચેટિયાઓને બદલે સીધો ડ્રાઈવરોના ખિસ્સામાં જશે. આ સાથે જ તૌ દેવીલાલ સ્ટેડિયમ ખાતે તેમણે 5,061 નવા પોલીસકર્મીઓની પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ બેચની ખાસિયત એ છે કે તેના 85% યુવાનો ડબલ ગ્રેજ્યુએટ છે અને તેઓ દેશના નવા ફોજદારી કાયદાઓ હેઠળ તાલીમ મેળવનાર પ્રથમ ટુકડી છે.
હરિયાણા: સૈનિકો અને ખેડૂતોની ભૂમિ
પોતાના સંબોધનમાં હરિયાણાના વખાણ કરતા શાહે કહ્યું કે, એક સમય હતો જ્યારે ભારત અમેરિકાથી લાલ ઘઉં મંગાવતું હતું, પણ આજે હરિયાણા અને પંજાબના ખેડૂતોને કારણે દેશ અનાજ બાબતે આત્મનિર્ભર છે. તેમણે સીએમ નાયબ સિંહ સૈનીની પ્રશંસા કરતા કહ્યું કે હવે રાજ્યમાં 'ખર્ચ અને કાપલી' (ભ્રષ્ટાચાર) વગર લાયક યુવાનોને નોકરી મળી રહી છે. કાર્યક્રમના અંતે તેમણે અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમાનું અનાવરણ કરી 250 ઈ-લાઈબ્રેરીનું ડિજિટલ ઉદ્ઘાટન પણ કર્યું હતું.

(5:48 PM IST)