<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

ભારતીય અર્થતંત્રમાં GST 2.0 નો જાદુ: સામાન્ય માણસના ખિસ્સા પર ટેક્સનો બોજ ઘટ્યો અને બજારમાં આવી તેજીની 'સુનામી'!

દિવાળીની ભેટ રંગ લાવી: વાહનોના વેચાણમાં 22% નો તોતિંગ ઉછાળો, રોજિંદી વસ્તુઓ સસ્તી થતા ગ્રાહકોની ખરીદ શક્તિમાં થયો જબરદસ્ત વધારો

નવી દિલ્હી, તા. 25 : કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા GST 2.0 ના દૂરગામી પરિણામો હવે દેશના બજાર અને સામાન્ય નાગરિકોના જીવનમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે જે 'દિવાળી ગિફ્ટ' નો વાયદો કર્યો હતો, તે હવે હકીકત બની છે. રોજિંદી વપરાશની ચીજવસ્તુઓ પરના ટેક્સ દરોમાં ઘટાડો થવાને કારણે સામાન્ય જનતાની ખરીદ શક્તિ (Purchasing Power) માં મોટો ઉછાળો આવ્યો છે, જેને પગલે ભારતીય અર્થતંત્ર વધુ મજબૂત બની રહ્યું છે.
નાણા મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, GST ના નવા માળખાને કારણે ઓટોમોબાઈલ સેક્ટરમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી છે. નવેમ્બર મહિનામાં પેસેન્જર વાહનોના છૂટક વેચાણમાં ગયા વર્ષની સરખામણીએ 22 ટકાનો વધારો નોંધાયો છે. લગ્નની સિઝન અને ટેક્સના દરોમાં ઘટાડાને કારણે મધ્યમ વર્ગના પરિવારોમાં નવા વાહનો ખરીદવાનો ઉત્સાહ વધ્યો છે. જથ્થાબંધ વેચાણ પણ 4.1 લાખ યુનિટના આંકડાને આંબી ગયું છે, જે અર્થતંત્રની ગતિશીલતા દર્શાવે છે.
ટેક્સ ઘટ્યો છતાં સરકારની તિજોરી છલકાઈ
નવાઈની વાત એ છે કે ટેક્સના દરો ઘટવા છતાં સરકારની આવકમાં વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન GST વસૂલાત વધીને ₹2,59,202 કરોડ પર પહોંચી છે. આ દર્શાવે છે કે જ્યારે ટેક્સ સિસ્ટમ સરળ અને નાગરિક-મૈત્રીપૂર્ણ બને છે, ત્યારે ટેક્સ ચોરી ઘટે છે અને પાલન (Compliance) વધે છે. ઈ-વે બિલ જનરેશનમાં પણ 14.4 ટકાનો વધારો એ વાતનો પુરાવો છે કે દેશમાં વ્યાપારિક પ્રવૃત્તિઓ વેગ પકડી રહી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે સંકેત આપ્યા છે કે સરકારનું આગામી લક્ષ્ય કસ્ટમ ડ્યુટીને વધુ સરળ બનાવવાનું છે. 40,000 થી વધુ બિનજરૂરી નિયમો અને 1,500 થી વધુ જૂના કાયદાઓ રદ કરીને કેન્દ્ર સરકારે 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' ને પ્રાથમિકતા આપી છે. બેંક લોનમાં વધારો અને આર્થિક સ્થિરતાના આંકડા સૂચવે છે કે GST 2.0 એ ભારતને 'વિકસિત ભારત' તરફ લઈ જવાની દિશામાં એક મોટું અને મજબૂત કદમ સાબિત થયું છે.

(5:56 PM IST)