<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

"હું પણ તમારા જેવો જ છું, રામ રામ!": સિરસાના બોક્સરની દેશી પૂછપરછ પર પીએમ મોદીનો રમુજી જવાબ વાયરલ, સંસદ ખેલ મહોત્સવમાં જામી મજા

વડાપ્રધાને ખેલાડીઓને જીતનો મંત્ર આપ્યો: "તમે ત્રિરંગાની આન-બાન-શાન માટે રમો છો", 2030 માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ અને 2036માં ઓલિમ્પિકના આયોજન પર ભાર

નવી દિલ્હી, તા. 25 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ખેલાડીઓ સાથે સીધો સંવાદ કરવા માટે જાણીતા છે, પરંતુ 'સંસદ ખેલ મહોત્સવ' દરમિયાન હરિયાણાના સિરસાના એક યુવા બોક્સર સાથેની તેમની વાતચીતે સૌના દિલ જીતી લીધા છે. વર્ચ્યુઅલ સંબોધન દરમિયાન જ્યારે બોક્સર નીરજ સિંહે હરિયાણવી શૈલીમાં પૂછ્યું, "સાહેબ, બધા તરફથી રામ રામ, અને તમે કેમ છો?" ત્યારે પીએમ મોદીએ પણ હસતા હસતા તે જ લહેકામાં જવાબ આપ્યો, "હું પણ બિલકુલ તમારા જેવો જ છું, રામ રામ!" પીએમનો આ 'દેશી' અંદાજ જોઈને આખું સભાગૃહ હાસ્યથી ગુંજી ઉઠ્યું હતું.
પીએમ મોદીએ આ પ્રસંગે ભાર મૂક્યો હતો કે 2014 પહેલા રમતગમત ક્ષેત્રે જે ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદ હતો, તે હવે દૂર થઈ ગયો છે. આજે ગરીબ પરિવારના બાળકો પણ કોઈ વગ વગર પોતાની મહેનત અને પ્રતિભાના જોરે ટોચના સ્તરે પહોંચી રહ્યા છે. તેમણે કહ્યું કે હવે દેશમાં એવી ઇકોસિસ્ટમ તૈયાર થઈ છે જ્યાં પસંદગી માત્ર કૌશલ્યના આધારે થાય છે. 15-20 વર્ષના યુવાનો જે રીતે 30-40 બોલમાં સદી ફટકારી રહ્યા છે, તે ભારતના બદલાતા રમતગમત કલ્ચરનું પ્રતીક છે.
રમતગમતનું બજેટ અને મેડલ્સની લ્હાણી
વડાપ્રધાને આંકડાઓ સાથે જણાવ્યું કે 2014 પહેલા દેશનું સ્પોર્ટ્સ બજેટ 1,200 કરોડ રૂપિયાથી ઓછું હતું, જે હવે વધીને 3,000 કરોડ રૂપિયા ને વટાવી ગયું છે. TOPS (ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ) જેવી યોજનાઓ દ્વારા ખેલાડીઓને દર મહિને 25 થી 50 હજાર રૂપિયાની આર્થિક સહાય મળી રહી છે. આ જ કારણ છે કે ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં સાત અને પેરિસ પેરાલિમ્પિક્સમાં ઐતિહાસિક 29 મેડલ જીતીને વિશ્વમાં ડંકો વગાડ્યો છે.
અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું લક્ષ્ય
ભવિષ્યના વિઝન વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, "ભારત વર્ષ 2030 માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન કરશે." આ ઉપરાંત ભારત 2036 માં ઓલિમ્પિકની યજમાની મેળવવા માટે પણ પ્રયત્નશીલ છે. તેમણે યુવાનોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે તમે માત્ર તમારી જીત માટે નથી રમતા, પણ તમે મેદાન પર ઉતરો છો ત્યારે 140 કરોડ દેશવાસીઓની આશા અને ત્રિરંગાનું સન્માન તમારી સાથે હોય છે. સંસદ ખેલ મહોત્સવ દ્વારા દેશને હજારો નવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ મળશે જે ભવિષ્યમાં વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કરશે.

(6:01 PM IST)