૧ એપ્રિલ ૨૦૨૬થી તમારું સોશિયલ મીડિયા અને ઈમેઈલ આવકવેરા વિભાગના રડારમાં? જાણો વાયરલ મેસેજનું સત્ય
સરકારની ફેક્ટ ચેક ટીમે આ દાવાને ગેરમાર્ગે દોરનારો ગણાવ્યો: સત્ય એ છે કે આવકવેરા વિભાગ સામાન્ય નાગરિકોની જાસૂસી નહીં કરે, પરંતુ જ્યારે કોઈના પર દરોડા પડશે ત્યારે જ ગંભીર કરચોરી પકડવા માટે ડિજિટલ પુરાવા તપાસવાની સત્તા રહેશે

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર અત્યારે એક મેસેજ જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ૧ એપ્રિલ ૨૦૨૬થી નવા કાયદા મુજબ આવકવેરા વિભાગ લોકોના વોટ્સએપ, ફેસબુક અને ઈમેઈલ ચેક કરી શકશે.
જોકે, સરકારની ફેક્ટ ચેક ટીમે આ દાવાને ગેરમાર્ગે દોરનારો ગણાવ્યો છે. સત્ય એ છે કે આવકવેરા વિભાગ સામાન્ય નાગરિકોની જાસૂસી નહીં કરે, પરંતુ જ્યારે કોઈના પર દરોડા (રેડ) પડશે ત્યારે જ ગંભીર કરચોરી પકડવા માટે ડિજિટલ પુરાવા તપાસવાની સત્તા રહેશે.
વિગતવાર જોઈએ તો છેલ્લા થોડા દિવસોથી વોટ્સએપ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેના કારણે કરદાતાઓમાં અને સામાન્ય લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આગામી ૧ એપ્રિલ ૨૦૨૬થી આવકવેરા વિભાગ (ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ)ને એવી કાયદાકીય સત્તા મળી જશે જેનાથી તેઓ લોકોના અંગત ઈમેઈલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને અન્ય ડિજિટલ વ્યવહારો પર સીધી નજર રાખી શકશે.
જોકે, આ મેસેજમાં કરવામાં આવેલો દાવો અર્ધસત્ય અને ગેરમાર્ગે દોરનારો છે. આ અંગે સરકારી સંસ્થા પીઆઈબી (પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો) અને આર્થિક નિષ્ણાતો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. સત્ય હકીકત નીચે મુજબ છે:
૧. શું છે વાયરલ દાવો?
વાયરલ મેસેજમાં કહેવાયું છે કે કરચોરી રોકવા માટે સરકાર નવા નિયમો લાવી રહી છે, જેના હેઠળ ૧ એપ્રિલ ૨૦૨૬થી અધિકારીઓ ગમે ત્યારે તમારા સોશિયલ મીડિયા અને મેસેજ ચેક કરી શકશે. આને કારણે લોકોમાં ભય છે કે તેમની પ્રાઈવસી (નિજતા) જોખમમાં મુકાશે અને દરેક નાગરિક પર સરકારની નજર રહેશે.
૨. હકીકત શું છે?
સરકાર દ્વારા જે નવા ડાયરેક્ટ ટેક્સ કોડ અથવા સુધારાઓની ચર્ચા છે, તેમાં ‘ડિજિટલ એસેટ્સ’ની તપાસની જોગવાઈ છે, પરંતુ તે બધા માટે નથી. આ સત્તાનો ઉપયોગ માત્ર ને માત્ર ત્યારે જ થઈ શકે જ્યારે આવકવેરા વિભાગ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પેઢી પર 'સર્ચ એન્ડ સીઝર' (દરોડા)ની કાર્યવાહી કરતું હોય.
એટલે કે, જો કોઈ વ્યક્તિ પર ગંભીર કરચોરીનો આરોપ હોય અને તેના ઘરે કે ઓફિસે આવકવેરા વિભાગના અધિકારીઓ તપાસ માટે જાય, માત્ર તેવા જ કિસ્સામાં અધિકારીઓ તે વ્યક્તિના લેપટોપ, મોબાઈલ, ઈમેઈલ કે ક્લાઉડ ડેટાની તપાસ કરી શકે છે. આ તપાસનો હેતુ છુપાવેલી આવક શોધવાનો હોય છે.
૩. સામાન્ય નાગરિકોએ ડરવાની જરૂર નથી
પીઆઈબી ફેક્ટ ચેક ટીમે સ્પષ્ટ કર્યું છે કે આવકવેરા વિભાગ કાયદાનું પાલન કરતા સામાન્ય નાગરિકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં કોઈ પણ જાતની દખલગીરી કરશે નહીં. આ કાયદો કોઈ ‘સર્વેલન્સ’ (જાસૂસી) માટે નથી. જ્યાં સુધી તમારી સામે કોઈ ગંભીર તપાસ કે દરોડાની કાર્યવાહી ન હોય ત્યાં સુધી તમારા ડિજિટલ ડેટા સુરક્ષિત છે.
આમ સોશિયલ મીડિયા પર ફરતા આવા મેસેજથી ગભરાવવું નહીં. ૧ એપ્રિલ ૨૦૨૬થી સામાન્ય જનતાના વોટ્સએપ કે ફેસબુક પર કોઈ સરકારી નજર રહેવાની નથી. આ નિયમો માત્ર કરચોરોને પકડવા માટેની કાયદાકીય પ્રક્રિયાનો ભાગ છે, જેનો અમલ ચોક્કસ પુરાવા અને વોરંટ હોય તો જ થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
