<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

ઢાકાની ધરતી પર તારિક રહેમાનની સિંહગર્જના: "નવા બાંગ્લાદેશ માટે મારી પાસે છે 'માસ્ટર પ્લાન'!"

વર્ષોના દેશનિકાલ બાદ પરત ફરેલા BNP નેતાનું ભવ્ય સ્વાગત: યુવા પેઢીના હાથમાં દેશનું સુકાન સોંપવાનું આહ્વાન : 'શક્તિશાળી દળો'ના કાવતરા સામે જનતાને સાવધ રહેવા ચેતવણી અને સર્વધર્મ સમભાવના નવા યુગની કરી જાહેરાત

ઢાકા: બાંગ્લાદેશના રાજકારણમાં એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. વર્ષો સુધી વિદેશમાં રહ્યા બાદ સ્વદેશ પરત ફરેલા બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) ના કાર્યકારી પ્રમુખ તારિક રહેમાને ઢાકામાં જનમેદનીને સંબોધતા 'નવા બાંગ્લાદેશ'ના નિર્માણનો શંખનાદ કર્યો છે. માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની શૈલીમાં "મારી પાસે એક યોજના છે" (I have a plan) તેમ કહીને તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ માત્ર સત્તા પરિવર્તન નહીં, પણ દેશના આર્થિક અને લોકશાહી માળખામાં ધરમૂળથી ફેરફાર કરવા માંગે છે. રહેમાને ૨૦૨૪ના લોકઆંદોલનને ૧૯૭૧ની આઝાદી જેવું જ ઐતિહાસિક ગણાવ્યું અને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે બાંગ્લાદેશનું સાર્વભૌમત્વ જનતાના હાથમાં રહે.

તારિક રહેમાને પોતાના ભાષણમાં અત્યંત ગંભીર ચેતવણી આપતા કહ્યું કે, શક્તિશાળી વિદેશી એજન્ટો અને જૂની શાસન વ્યવસ્થાના કાવતરાખોરો હજુ પણ સક્રિય છે, જે દેશની શાંતિ ડહોળવા માંગે છે. તેમણે સમર્થકોને કોઈપણ ઉશ્કેરણીમાં ન આવવા અને ધીરજ રાખવા વિનંતી કરી છે. ખાસ કરીને લઘુમતી સમુદાયોના મુદ્દે તેમણે કડક વલણ અપનાવતા કહ્યું કે, આ દેશ જેટલો મુસ્લિમોનો છે એટલો જ હિન્દુ, બૌદ્ધ અને ખ્રિસ્તીઓનો પણ છે. તેમણે એક એવા સુરક્ષિત બાંગ્લાદેશનું સ્વપ્ન રજૂ કર્યું જ્યાં દરેક નાગરિક, મહિલા અને બાળક કોઈપણ ભય વિના જીવી શકે અને રાષ્ટ્રીય નિર્માણમાં પોતાનો ફાળો આપી શકે.

આગામી સમયમાં બાંગ્લાદેશનું નેતૃત્વ યુવા પેઢીના હાથમાં હશે તેવો નિર્ધાર વ્યક્ત કરતા રહેમાને આર્થિક સ્વતંત્રતા પર ભાર મૂક્યો હતો. તેમણે શહીદ ઉસ્માન હાદીના બલિદાનને યાદ કરી જણાવ્યું કે લોહીનું ઋણ ત્યારે જ ચૂકવાશે જ્યારે સામાન્ય માણસ આર્થિક રીતે સશક્ત બનશે. પોતાની માતા અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ સાથે તેમણે જનતાને એકજૂટ થવા હાકલ કરી છે. તારિક રહેમાનનું આ પુનરાગમન શેખ હસીનાની વિદાય બાદ બાંગ્લાદેશમાં સત્તાના નવા સમીકરણો રચશે તે નિશ્ચિત જણાય છે.

(7:40 PM IST)