<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

દિલ્હીમાં હવે માત્ર 5 રૂપિયામાં મળશે ગરમાગરમ 'ફુલ થાળી': અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર 100 'અટલ કેન્ટીન'નો પ્રારંભ!

ભૂખ સામે જંગ: મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગરીબો અને મજૂરો માટે ખોલ્યા તિજોરીના દ્વાર, દાળ-ભાત, શાક અને રોટલી સાથેની પૌષ્ટિક થાળી હવે ચા કરતા પણ સસ્તી!

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે એક ઐતિહાસિક ભેટ આપવામાં આવી છે. દિલ્હી સરકાર દ્વારા આજથી શહેરના વિવિધ વિસ્તારોમાં 100 'અટલ કેન્ટીન' શરૂ કરવામાં આવી છે, જ્યાં જરૂરિયાતમંદોને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક અને સંપૂર્ણ ભોજન પીરસવામાં આવશે. ભાજપ સરકારના ચૂંટણી ઢંઢેરાના આ મુખ્ય વચનને અમલી બનાવતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે પ્રથમ તબક્કાની કેન્ટીનોનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ યોજના હેઠળની થાળીમાં દાળ, ભાત, રોટી, મોસમી શાકભાજી અને અથાણાંનો સમાવેશ થશે. દિલ્હીના શહેરી વિકાસ મંત્રી આશિષ સૂદે જણાવ્યું હતું કે, આ કેન્ટીન ખાસ કરીને દૈનિક મજૂરો, રિક્ષા ચાલકો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સરકાર દરેક થાળી પર આશરે 25 રૂપિયાની સબસિડી ભોગવશે, જેથી સામાન્ય જનતાને આ ભોજન માત્ર 5 રૂપિયામાં મળી શકે.
આ યોજનામાં પારદર્શિતા જાળવવા માટે સરકારે અત્યાધુનિક વ્યવસ્થા કરી છે. તમામ 100 કેન્ટીનોમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનું દિલ્હી શહેરી આશ્રય સુધારણા બોર્ડ દ્વારા રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે. ભોજનના વિતરણ માટે મેન્યુઅલ કૂપનને બદલે ડિજિટલ ટોકન સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. દરેક કેન્ટીન સવારે 500 અને સાંજે 500 એમ કુલ 1,000 લોકોને દરરોજ જમાડવાની ક્ષમતા ધરાવે છે.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ પ્રસંગે ભાવુક થતા કહ્યું હતું કે, "અટલ કેન્ટીન દિલ્હીનો આત્મા બનશે, જ્યાં કોઈ પણ વ્યક્તિએ ભૂખ્યા સૂવું નહીં પડે. આ દાન નથી, પરંતુ ગૌરવ સાથેનું ભોજન છે." ઉલ્લેખનીય છે કે, આ યોજના માટે બજેટમાં 100 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. પ્રદૂષણ અને GRAP પ્રતિબંધોને કારણે બાંધકામમાં થોડો વિલંબ થયો હોવા છતાં, આજથી 45 કેન્ટીનો સંપૂર્ણપણે કાર્યરત થઈ ગઈ છે અને બાકીની 55 કેન્ટીનો પણ આગામી થોડા દિવસોમાં ધમધમતી થઈ જશે

(8:33 PM IST)