<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર સરકારની 'તીસરી આંખ': સેમ પિત્રોડાનો સનસનીખેજ આક્ષેપ - "વિદેશમાં પણ રાહુલ પર નજર રાખવામાં આવે છે!"

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન પિત્રોડાએ દૂતાવાસ પર લગાવ્યા આરોપ; કહ્યું- "જર્મનીમાં રાહુલ ગાંધી વિદેશી નેતાઓને ન મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા"

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાએ રાહુલ ગાંધીના તાજેતરના જર્મની પ્રવાસને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. એક વિશિષ્ટ મુલાકાતમાં પિત્રોડાએ દાવો કર્યો છે કે જ્યારે રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે હોય છે, ત્યારે ભારતીય દૂતાવાસ (Embassy) ના અધિકારીઓ તેમના પર સતત નજર રાખે છે. એટલું જ નહીં, પિત્રોડાએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો કે ભારત સરકાર વિદેશી સંસ્થાઓ અને નેતાઓને રાહુલ ગાંધીને ન મળવા માટે દબાણ કરે છે.
જર્મની પ્રવાસની ટાઈમિંગ (સંસદના શિયાળુ સત્ર દરમિયાન) પર ઉઠેલા સવાલોનો જવાબ આપતા પિત્રોડાએ સ્પષ્ટ કર્યું કે વિદેશી પ્રવાસો રાતોરાત નક્કી નથી થતા, પરંતુ તેનું આયોજન મહિનાઓ પહેલા કરવામાં આવે છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી જર્મનીમાં માત્ર એક પક્ષના નેતા તરીકે નહીં પરંતુ ભારતના અવાજ તરીકે ગયા હતા. ત્યાં તેમણે ભારતીય લોકશાહીની સ્થિતિ અને સંસ્થાઓના કથિત દુરુપયોગ અંગે જે વાતો કરી છે, તે 'સત્ય' છે અને સત્ય ગમે ત્યાં બોલવામાં આવે તે સત્ય જ રહે છે.
 ભાજપ દ્વારા રાહુલ ગાંધીને 'વિદેશ નાયક' કહીને કરવામાં આવતી ટીકાઓ પર પિત્રોડાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ દ્વારા આપવામાં આવતા લેબલ્સથી કોઈ ફરક પડતો નથી. તેમણે ઉમેર્યું કે, "જ્યારે રાહુલ ગાંધી વિદેશમાં BMW ફેસિલિટીની મુલાકાત લે છે અથવા ત્યાંના મેન્યુફેક્ચરિંગ સેક્ટર વિશે વાત કરે છે, ત્યારે તેઓ ભારતના વિકાસ માટેની ચિંતા વ્યક્ત કરતા હોય છે. આને ભારત વિરોધી નિવેદન કહેવું તે તદ્દન ખોટું છે."
 સેમ પિત્રોડાના આ નિવેદને રાજકીય ગલિયારાઓમાં નવી ચર્ચા છેડી દીધી છે. દૂતાવાસ દ્વારા દેખરેખ રાખવાના આક્ષેપો બાદ હવે સરકાર અને વિપક્ષ સામસામે આવી ગયા છે. પિત્રોડાએ વધુમાં જણાવ્યું કે રાહુલ ગાંધી જે કંઈ પણ વિદેશી ધરતી પર બોલે છે, તે જ વાતો તેઓ ભારતમાં પણ કરી રહ્યા છે. તેમણે એમ કહીને વાત પૂરી કરી કે લોકશાહી બચાવવાની લડાઈ હવે વૈશ્વિક સ્તરે પહોંચી ગઈ છે અને કોંગ્રેસ પીછેહઠ નહીં કરે

(8:41 PM IST)