<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

બાબા બાગેશ્વરની ભિલાઈથી મોટી ચેતવણી: "હિન્દુઓ એક નહીં થાય તો ભારતમાં ગલી-ગલીમાં સર્જાશે બાંગ્લાદેશ જેવી સ્થિતિ!"

ભિલાઈમાં મીડિયા સાથે વાતચીત: ધીરેન્દ્ર શાસ્ત્રીએ ધર્માંતરણને 'કેન્સર' કરતા પણ ગંભીર ગણાવ્યું, હિન્દુઓને સંગઠિત થવા અને સંસ્કાર આપવા કરી હાકલ

ભિલાઈ : બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ છત્તીસગઢના ભિલાઈમાં મીડિયા સાથે વાતચીત કરતા હિન્દુ સમાજને ગંભીર ચેતવણી આપી છે. પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, જો ભારતના હિન્દુઓ સમય રહેતા જાગૃત અને સંગઠિત નહીં થાય, તો આવનારા સમયમાં ભારતની ગલી-ગલીમાં બાંગ્લાદેશ જેવી અત્યંત ભયાનક પરિસ્થિતિ જોવા મળી શકે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાંગ્લાદેશમાં હાલમાં જ બનેલી ઈશનિંદાના આરોપમાં હિન્દુ યુવકની હત્યાની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "તમે તમારા બાળકોને મિલકત કે વેપાર આપો કે ન આપો, પણ સંસ્કાર અને ધર્મ પ્રત્યેની જાગૃતિ ચોક્કસ આપજો." તેમણે ઉમેર્યું કે આજે બાંગ્લાદેશમાં હિન્દુઓને જીવતા સળગાવવામાં આવે છે કારણ કે તેઓ લઘુમતીમાં છે અને વિખરાયેલા છે. જો ભારતમાં પણ હિન્દુઓ એકતા નહીં બતાવે, તો તેમનું ભવિષ્ય પણ જોખમમાં મુકાઈ શકે છે.
 દેશની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો: ધર્માંતરણના મુદ્દે આકરા પ્રહારો કરતા બાબા બાગેશ્વરે જણાવ્યું હતું કે, "ભારતમાં કેન્સર કરતા પણ વધુ ખતરનાક ધર્માંતરણ (Conversion) છે." તેમણે આ પ્રવૃત્તિને દેશની આંતરિક સુરક્ષા અને મૂળ સંસ્કૃતિ માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો. છત્તીસગઢના બસ્તર અને જસપુર જેવા વિસ્તારોમાં વધી રહેલા ધર્માંતરણ સામે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે સરકારોએ આ બાબતે કડક કાયદા અને ફાંસીની સજા જેવી જોગવાઈ કરવી જોઈએ.
 છત્તીસગઢમાં હાલમાં બનેલી કેટલીક સાંપ્રદાયિક ઘટનાઓ અંગે પ્રતિક્રિયા આપતા શાસ્ત્રીએ કહ્યું કે જે થયું તે દુઃખદ હતું, પરંતુ તે સમયે હિન્દુઓએ જે અદભૂત એકતા અને સંગઠિત શક્તિ બતાવી છે તેના માટે તેઓ સાધુવાદના પાત્ર છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કળિયુગમાં 'સંગઠન' જ સૌથી મોટી શક્તિ છે અને વિભાજિત હિન્દુ ક્યારેય સુરક્ષિત રહી શકશે નહીં.

(8:43 PM IST)