News of Thursday, 25th December 2025
બાંગ્લાદેશમાં 'ખૂની ખેલ'ની આશંકા: ઉસ્માન હાદીની હત્યા બાદ 127 નેતાઓ પર મંડરાતું મોતનું જોખમ, અજાણ્યા હુમલાખોરોનું 'હિટ લિસ્ટ' જાહેર!
લોકશાહી જોખમમાં: BNP અને જમાત સહિતના ટોચના નેતાઓ નિશાના પર, સરકારે સુરક્ષા વધારી અને નેતાઓને સ્વબચાવ માટે હથિયારોના લાયસન્સ આપવાનું શરૂ કર્યું

ઢાકા: પાડોશી દેશ બાંગ્લાદેશમાં હાલમાં ભારે અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ઇન્કલાબ મંચના પ્રવક્તા ઉસ્માન ફારૂક હાદીની નૃશંસ હત્યા બાદ સમગ્ર દેશમાં રાજકીય નેતાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાથી હરકતમાં આવેલી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ એક સનસનીખેજ યાદી તૈયાર કરી છે, જેમાં 127 પ્રભાવશાળી નેતાઓના નામ 'હિટ લિસ્ટ' પર હોવાનું સામે આવ્યું છે. આ યાદીમાં BNP, જમાત-એ-ઇસ્લામી અને નેશનલ સિવિલિયન પાર્ટી (NCP) ના ટોચના નેતાઓનો સમાવેશ થાય છે.
ગુપ્તચર અહેવાલો મુજબ, અજાણ્યા હુમલાખોરોનું એક સંગઠિત જૂથ દેશમાં 13મી રાષ્ટ્રીય સંસદની ચૂંટણી પહેલા ભારે અસ્થિરતા ફેલાવવાનું ષડયંત્ર ઘડી રહ્યું છે. હાદીની હત્યા આ કાવતરાનો જ એક ભાગ હોવાનું મનાય છે. 27 નવેમ્બરથી અત્યાર સુધીમાં અલગ-અલગ હિંસક ઘટનાઓમાં 10 લોકોના મોત થયા છે. સરકારને સોંપવામાં આવેલા અહેવાલમાં નેતાઓના ઘર પર ગણવેશધારી પોલીસ તૈનાત કરવા અને ખાનગી ગાર્ડ રાખવાની ખાસ ભલામણ કરવામાં આવી છે.
નેતાઓને હવે હથિયારોનું 'કવચ': માત્ર સુરક્ષા ગાર્ડ જ નહીં, પણ બાંગ્લાદેશ સરકારે હવે જોખમમાં રહેલા નેતાઓને પોતાની રક્ષા માટે હથિયારો રાખવાની પણ મંજૂરી આપી છે. અત્યાર સુધીમાં 73 નેતાઓએ હથિયારના લાયસન્સ માટે અરજી કરી છે, જેમાંથી 20 નેતાઓને તાત્કાલિક પરવાનગી આપી દેવામાં આવી છે. NCP ના નાહિદ ઇસ્લામ અને હસનત અબ્દુલ્લા જેવા યુવા નેતાઓને વિશેષ વ્યક્તિગત સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
બાંગ્લાદેશ પોલીસના આઈજીપી બહરુલ આલમે જણાવ્યું છે કે, રાજકારણીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર દેશમાં એક ખાસ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારો અને સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે એક ચોક્કસ જૂથ સરહદ પર તણાવ ઉશ્કેરીને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. આગામી દિવસોમાં આ અજાણ્યા હુમલાખોરોને પકડવા માટે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
