News of Friday, 26th December 2025
જયપુરઃ મસ્જિદ પાસે દબાણ હટાવવા જતાં પોલીસ પર પથ્થરમારોઃ ૬ પોલીસકર્મીને ઈજા
પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસના શેલ છોડવા પડયા

જયપુર, તા.૨૬: રાજસ્થાનના જયપુર પાસે આવેલા ચોમું કસ્બામાં બસ સ્ટેન્ડ નજીક આવેલી મસ્જિદ પાસે એક પથ્થર હટાવવા બાબતે વિવાદ સર્જાયો હતો. વાતચીતથી ઉકેલ ન આવતા મામલો બિચકયો હતો અને રાત્રે ૩ વાગ્યે પોલીસ કાફલા પર ટોળાએ અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેમાં અડધો ડઝન પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.
વિગતવાર જોઈએ તો ચોમું શહેરમાં ગઈકાલે મોડી રાત્રે ભારે તંગદિલી સર્જાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ, ચોમું બસ સ્ટેન્ડ પાસે આવેલી એક મસ્જિદ પરિસરમાંથી પથ્થર હટાવવાને લઈને વિવાદ શરૂ થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલા એક સમુદાયના લોકોએ પરસ્પર સંમતિથી પથ્થર હટાવવાની મંજૂરી આપી હતી, પરંતુ બાદમાં ત્યાં લોખંડની એંગલ લગાવીને બાઉન્ડ્રી વોલ બનાવવાનો પ્રયાસ થતા મામલો ગરમાયો હતો.
જ્યારે પોલીસ પ્રશાસને આ બાંધકામ અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું. રાત્રે આશરે ૩ વાગ્યાના સુમારે જ્યારે પોલીસ ટીમ કાર્યવાહી કરી રહી હતી ત્યારે ટોળાએ અચાનક પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ હુમલામાં અડધો ડઝન જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે, જેમાં એક જવાનને માથામાં ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે.
પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે ઉપદ્રવીઓને વિખેરવા માટે અશ્રુવાયુ (ટીયર ગેસ)ના ગોળા છોડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા સ્પેશિયલ ઓપરેશન કમિશનર રાહુલ પ્રકાશ અને એડિશનલ પોલીસ કમિશનર ડૉ.રાજીવ પચાર સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાલમાં ચોમું બસ સ્ટેન્ડ અને આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે તોફાની તત્ત્વોની ઓળખ અને ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
