<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

નાઈજીરિયામાં ઈસાઈઓના નરસંહાર સામે અમેરિકાનો વળતો પ્રહાર: ટ્રમ્પના આદેશથી ‘આઈએસઆઈએસ’ના ઠેકાણા પર ભીષણ એર સ્ટ્રાઈક

અમેરિકાએ હાલમાં જ નાઈજીરિયાને ‘કન્ટ્રી ઓફ પર્ટીક્યુલર કન્સર્ન’ (ખાસ ચિંતા વાળા દેશ) તરીકે ઘોષિત કર્યો છે: અમેરિકી સાંસદોના પ્રતિનિધિમંડળે નાઈજીરિયાની મુલાકાત લેતા ધાર્મિક નેતાઓએ તેમને જણાવ્યું હતું કે આખા ને આખા ખ્રિસ્તી સમુદાયો નષ્ટ થઈ ગયા છે

વોશિંગ્ટન/અબુજા: અમેરિકાએ નાઈજીરિયામાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમના સીધા આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી છે. આતંકીઓ દ્વારા નિર્દોષ ઈસાઈઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા, જેના જવાબમાં આ હુમલો કરાયો છે. અમેરિકાએ નાઈજીરિયાને ‘ખાસ ચિંતા વાળા દેશ’ તરીકે પણ જાહેર કર્યો છે.

 

નાઈજીરિયામાં ક્રિસમસના તહેવાર ટાણે જ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ (ઈસ્લામિક સ્ટેટ) પર અમેરિકી સેનાએ કહેર વર્તાવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, "આજે રાત્રે મારા નિર્દેશ પર અમેરિકી સેનાએ ઉત્તર-પશ્ચિમ નાઈજીરિયામાં આઈએસઆઈએસના આતંકવાદીઓ પર શક્તિશાળી અને ઘાતક હુમલો કર્યો છે."

 

ટ્રમ્પે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ આતંકી જૂથ મુખ્યત્વે નિર્દોષ ઈસાઈઓને નિશાન બનાવી રહ્યું હતું અને તેમની બેરહેમીથી હત્યા કરી રહ્યું હતું, જે સદીઓમાં જોવા મળ્યું નથી. તેમણે ઉમેર્યું કે મેં પહેલા જ આતંકવાદીઓને ચેતવણી આપી હતી કે જો તેઓ ઈસાઈઓનું કત્લેઆમ બંધ નહીં કરે તો તેમણે ગંભીર પરિણામ ભોગવવા પડશે.

 

નોંધનીય છે કે, અમેરિકાએ હાલમાં જ નાઈજીરિયાને ‘કન્ટ્રી ઓફ પર્ટીક્યુલર કન્સર્ન’ (ખાસ ચિંતા વાળા દેશ) તરીકે ઘોષિત કર્યો છે. અમેરિકી સાંસદોના પ્રતિનિધિમંડળે નાઈજીરિયાની મુલાકાત લીધી હતી, જ્યાં ધાર્મિક નેતાઓએ તેમને જણાવ્યું હતું કે આખા ને આખા સમુદાયો નષ્ટ થઈ ગયા છે. 

 

માનવીય સંગઠનોના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૪થી અત્યાર સુધીમાં ૫,૦૦,૦૦૦ (પાંચ લાખ)થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે કટ્ટરપંથી ઈસ્લામી આતંકવાદને કોઈપણ ભોગે પોષવા દેવામાં આવશે નહીં.

(9:38 AM IST)