<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

તાઈવાનની સીમામાં ચીનની સતત ઘૂસણખોરીઃ બીજા દિવસે પણ ફાઈટર જેટસ, જહાજો અને જાસૂસી બલૂન દેખાયા

બંને દેશ વચ્‍ચે તણાવ વધ્‍યો

ત્‍યુપેઈ, તા.૨૬: ચીન પોતાની વિસ્‍તારવાદી નીતિથી બાજ આવતું નથી. સતત બીજા દિવસે ચીની સેનાએ તાઈવાનની સીમામાં ઘૂસણખોરી કરી છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્‍યું છે કે ચીની ફાઈટર જેટ્‍સ અને નૌકાદળના જહાજોએ તેમની સરહદનું ઉલ્લંઘન કર્યું છે, તેમજ આકાશમાં બે ચીની ફુગ્‍ગા પણ જોવા મળ્‍યા છે.

ચીન અને તાઈવાન વચ્‍ચેનો તણાવ ફરી ચરમસીમાએ પહોંચ્‍યો છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, સતત બીજા દિવસે ચીની સેનાએ ઉશ્‍કેરણીજનક કાર્યવાહી કરી છે. રિપોર્ટ અનુસાર, ચીનના અનેક ફાઈટર જેટ્‍સ અને ૬ નૌકાદળના જહાજોએ તાઈવાનની જળ અને હવાઈ સીમામાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો.

આટલું જ નહીં, તાઈવાનના આકાશમાં બે શંકાસ્‍પદ ચીની ફુગ્‍ગા (બલૂન) પણ ઉડતા જોવા મળ્‍યા હતા, જે જાસૂસી માટે મોકલવામાં આવ્‍યા હોવાની આશંકા છે. તાઈવાનના સુરક્ષા દળોએ આ પરિસ્‍થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને પોતાની મિસાઈલ સિસ્‍ટમને એલર્ટ પર રાખીને પ્રતિક્રિયા આપી હતી. ચીનની આ હરકતોથી ક્ષેત્રમાં યુદ્ધ જેવી સ્‍થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. 

(1:59 PM IST)