હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વોટના બદલે SUV કાર, થાઇલેન્ડ ટ્રીપ, સોનું જીતો !
પૂણેમાં નેતાઓની અવનવી ઓફર્સ....મતદારોને રીઝવવા માટે નાણાકીય શક્તિ અને પ્રભાવનું અભૂતપૂર્વ પ્રદર્શન

પૂણે તા.૨૬: પૂણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે માત્ર ત્રણ અઠવાડિયા બાકી છે, ત્યારે સત્તા મેળવવા માટે ઉમેદવારોએ સામ-દામ-દંડ-ભેદની તમામ નીતિઓ અપનાવી દીધી છે. મતદારોને રીઝવવા માટે ઉમેદવારો વિદેશ પ્રવાસથી લઈને મોંઘી ગાડીઓ અને સોનાના ઘરેણાં જેવી લલચામણી ભેટોની લ્હાણી કરી રહ્યા છે.
પૂણે મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ વોર્ડમાં ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે નાણાકીય શક્તિ અને પ્રભાવનું અભૂતપૂર્વ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. લોહગાંવ-ધાનોરી વોર્ડમાં એક ઉમેદવારે તો લકી ડ્રો દ્વારા ૧૧ લકી મતદારોને ૧૧૦૦ ચોરસ ફૂટના પ્લોટ આપવાનું વચન આપી રજિસ્ટ્રેશન પણ શરુ કરી દીધું છે, જ્યારે વિમાન નગરમાં દંપતીઓ માટે થાઇલેન્ડની ૫ દિવસની લક્ઝરી ટૂરની લલચામણી ઓફર આપવામાં આવી રહી છે.
તેમજ મહિલા મતદારોને આકર્ષવા માટે હજારોની સંખ્યામાં કિમતી પૈઠણી સાડીઓ, સિલાઈ મશીનો અને સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે, તો બીજી તરફ યુવા મતદારો માટે ૧ લાખ રૂપિયાના રોકડ ઇનામો સાથેની ક્રિકેટ લીગનું આયોજન કરી ઉમેદવારો ચૂંટણીમાં પોતાની નાણાકીય ક્ષમતાનો પરચો બતાવી રહ્યા છે.
પૂણે મહાનગરપાલિકાની ૧૫ જાન્યુઆરીએ યોજાનારી આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે, જેમાં ખાસ કરીને પવાર પરિવારના બંને જૂથો વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે ગજગ્રાહ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે રાજકીય માર્ગો અલગ કર્યા બાદ હવે શરદ પવાર અને અજિત પવારના જૂથો વચ્ચે સમજૂતી માટે બેઠકોનો દોર શરૂ થયો છે, જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવાર જૂથ ૪૦થી ૪૫ બેઠકો પર દાવો કરી રહ્યું છે, જ્યારે અજિત પવાર ૩૦થી વધુ બેઠકો આપવા તૈયાર નથી. ગત રાત્રે બંને પક્ષના વરિષ્ઠ નેતાઓ વચ્ચે પ્રથમ રાઉન્ડની મંત્રણા પૂર્ણ થઈ છે, પરંતુ આ બેઠકોના જટિલ ગણિત અંગેનો અંતિમ નિર્ણય હવે સુપ્રિયા સુલે સાથેની નિર્ણાયક ચર્ચા બાદ જ લેવામાં આવે તેવી શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
