News of Friday, 26th December 2025
પાલતૂ કુતરો બીમાર થતાં બે સગી બહેનોએ ફિનાઈલ પી લેતા મોત
બંને બહેનો તેમના પાલતુ કૂતરાની લાંબા સમયથી બીમારીના કારણે માનસિક તણાવમાં રહેતી હતી

લખનઉ તા.૨૬: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી એક ચોંકાવનારો અને માર્મિક બનાવ સામે આવ્યો છે. અહીંના પારા વિસ્તારમાં રહેતી બે સગી બહેનોએ ફિનાઈલ પીને આત્મહત્યા કરી લીધી છે. કહેવાય છે કે બંને બહેનો તેમના પાલતુ કૂતરાની લાંબા સમયથી બીમારીના કારણે માનસિક તણાવમાં રહેતી હતી. હાલમાં બંને મૃતક બહેનોની ઓળખ ૨૪ વર્ષીય રાધા સિહ અને ૨૨ વર્ષીય જિયા સિહ તરીકે થઈ છે.
હકીકતમાં ગ્રેજ્યુએટ પાસ બંને બહેનો પારા વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતી હતી. ઘરમાં જર્મન શેફર્ડ નસલનો એક કૂતરો પાળ્યો હતો. જેનું નામ ટોની હતું. ટોની એક મહિનાથી ગંભીર રીતે બીમાર હતો. તેની સતત સારવાર કરાવતા હતા. જો કે તેની તબિયતમાં કોઈ ખાસ સુધારો થયો નહીં. બંને બહેનોને ટોની સાથે ખૂબ જ ભાવનાત્મક રીતે લગાવ હતો. પરિવારનું કહેવું છે કે ટોની ખાવાનું પણ નહોતો ખાતો, આ જોઈ બંને બહેનોએ પણ ખાવાનું ખાતી નહીં. આ જ કારણ છે કે ટોનીની બગડતી હાલત જોઈ બંને બહેનો પણ અંદરથી તૂટી ગઈ હતી.
આ દરમિયાન તેમની માતા ગુલાબ દેવીએ પોતાની દીકરીઓને દુકાને સામાન લેવા મોકલી હતી. દુકાનેથી પરત આવ્યા બાદ બંને દીકરીઓ તરફડિયા મારવા લાગી. માએ પૂછ્યું તો દીકરીઓએ જણાવ્યું કે બંનેએ ફિનાઈલ પી લીધી છે. આ સાંભળતા જ પરિવારમાં હાહાકાર મચી ગયો. માએ ચીસો પાડી આજુબાજુના લોકો અને પરિવારના સભ્યોને બોલાવ્યા. બંને દીકરીઓને હોસ્પિટલે લઈ ગયા. જ્યાં બંને દીકરીઓને મૃત જાહેર કરવામાં આવી હતી.
તો વળી બંનેની લાશના પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. પારા એસએચઓએ જણાવ્યું કે બંને બહેનો કૂતરાની બીમારીથી પરેશાન હતી અને માનસિક રીતે ભાંગી પડી હતી. મૃતકના ભાઈએ પણ આ જ કારણ આપ્યું છે. બંને બહેનો ફિનાઈલ ક્યાંથી લાવી હતી, તે જાણી શકાયું નથી.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
