<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

ક્રિપ્‍ટો વોલેટમાં પડ્‍યા છે રૂા.૬,૪૪૯ કરોડના બિટકોઇન પણ પાસવર્ડ નથી યાદ!

એક પાસવર્ડના ચક્કરમાં ફસાઈ ગયા ૬૪૪૯ કરોડના બિટકોઇન! આ શખ્‍સની કહાની સાંભળીને મગજ ચકરાઈ જશે : સ્‍ટેફન થોમસ એ એવા વ્‍યક્‍તિ છે, જેઓ પોતાનું ડિજિટલ વોલેટ અનલોક કરી શકતા નથી. આ વોલેટમાં કુલ ૭,૦૦૨ બિટકોઇન પડ્‍યા છે

ન્‍યુયોર્ક તા.૨૬: ડિજિટલ થતી દુનિયામાં પાસવર્ડ કેટલો મહત્‍વનો છે, તેનું જીવંત ઉદાહરણ સ્‍ટેફન થોમસની કહાની છે. આજે જ્‍યારે મોટાભાગની આર્થિક લેવડદેવડ ઓનલાઈન થઈ ગઈ છે, ત્‍યારે એક નાનકડી ભૂલ પણ માણસને જીવનભરની કમાણીથી વંચિત કરી શકે છે. સોશિયલ મીડિયા પર આવી ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, પરંતુ આ કહાની સૌથી ચોંકાવનારી છે.

સ્‍ટેફન થોમસ એ એવા વ્‍યક્‍તિ છે, જેઓ પોતાનું ડિજિટલ વોલેટ અનલોક કરી શકતા નથી. આ વોલેટમાં કુલ ૭,૦૦૨ બિટકોઇન પડ્‍યા છે. એક અનુમાન મુજબ, આજે તેની કિમત અંદાજે ૭૭૭ મિલિયન ડોલર, એટલે કે લગભગ ૬,૫૦૦ કરોડ રૂપિયાની આસપાસ થાય છે. દુર્ભાગ્‍ય એ છે કે તેમની પાસે પાસવર્ડ નાખવાના માત્ર બે પ્રયાસ બાકી રહ્યા છે. જો એ પણ ખોટા ગયા, તો વોલેટ હંમેશા માટે લોક થઈ જશે.

મીડિયા રિપોર્ટ્‍સ મુજબ, સ્‍ટેફન થોમસ ક્રિપ્‍ટોકરન્‍સીની દુનિયાના શરૂઆતના દિગ્‍ગજોમાંથી એક ગણાય છે. તેમણે બિટકોઇનને સામાન્‍ય લોકો સુધી પહોંચાડવામાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી. તેઓ એક સમયે Ripple કંપનીના CTO રહી ચૂક્‍યા છે અને બાદમાં Coil નામની ફાઇનાન્‍સિયલ સર્વિસ સ્‍ટાર્ટઅપના CEO તથા કો-ફાઉન્‍ડર બન્‍યા.

વર્ષ ૨૦૧૧માં સ્‍ટેફન થોમસે ‘‘What is Bitcoin?'' નામનો એનિમેટેડ વીડિયો બનાવ્‍યો, જે લાખો લોકો માટે બિટકોઇન સમજવાનું મુખ્‍ય સાધન બન્‍યો. તેમને આ શાનદાર કામ માટે ૭,૦૦૨ બિટકોઇન મળ્‍યા હતા. તે સમયગાળામાં આ બિટકોઇનની કુલ કિમત અંદાજે ૨,૦૦૦ ડોલર હતી. તેમણે આ બિટકોઇન IronKey નામના સુરક્ષિત ડિજિટલ વોલેટમાં સ્‍ટોર કર્યા અને તેનો પાસવર્ડ કાગળ પર લખી રાખ્‍યો, પરંતુ દુર્ભાગ્‍યે એ કાગળ ક્‍યાંક ખોવાઈ ગયો.

આજે એક બિટકોઇનની કિમત ભારતીય ચલણમાં અંદાજે ૭૭ લાખ રૂપિયાની આસપાસ છે. એટલે સ્‍ટેફન થોમસ પાસે રહેલા બિટકોઇન અબજોની કિમતના છે. પરંતુ IronKey ડિવાઇસ માત્ર ૧૦ પાસવર્ડ પ્રયાસોની એક્‍સેસ આપે છે. થોમસ અત્‍યાર સુધીમાં ૮ પ્રયાસ કરી ચૂક્‍યા છે અને હવે માત્ર બે જ તક બચી છે.

થોમસે વર્ષો સુધી પાસવર્ડ રિકવર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખત નિષ્‍ફળતા જ મળી. તેમણે હેકર્સ અને મિત્રો પાસેથી પણ મદદ લીધી, પરંતુ IronKeyની સુરક્ષા એટલી મજબૂત છે કે કોઈ સફળ થઈ શક્‍યું નહીં. તાજેતરમાં સાયબર સુરક્ષા કંપની Uncipheredએ દાવો કર્યો કે તેઓ ડેટા મિટાવ્‍યા વિના ડિવાઇસ અનલોક કરી શકે છે. જોકે, થોમસે પહેલેથી જ બીજી બે ટીમોને વચન આપેલું હોવાથી આ ઓફર સ્‍વીકારી નહીં.

હાલ સુધી કોઈ જાહેર માહિતી નથી કે સ્‍ટેફન થોમસનું વોલેટ અનલોક થયું છે કે નહીં. જો થયું પણ હશે, તો સુરક્ષા કારણોસર તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. આ ઘટના પાસવર્ડ સુરક્ષા અને ડિજિટલ એસેટ્‍સના સુરક્ષિત સંગ્રહનું મહત્‍વ સમજાવે છે.

(9:52 AM IST)