<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

સોનું આસમાને પહોંચતા બજારમાં સન્‍નાટો

ગ્રાહકોએ ખરીદી મર્યાદિત કરતાં પાંખી હાજરી

રાજકોટઃ સોના અને ચાંદીના ભાવોએ ફરી ઇતિહાસ રચ્‍યો છે. વૈશ્વિક બજારમાં અનિヘતિતા, ભૌગોલિક તણાવ અને રોકાણકારોની સુરક્ષિત વિકલ્‍પ તરફ વધતી વૃત્તિના કારણે કિમતી ધાતુઓ સર્વકાલીન ઊંચા સ્‍તરે પહોંચી ગઈ છે. રાજકોટની સોની બજારમાં આજે ૧૦ ગ્રામ સોનાનો ભાવ આશરે ૧ લાખ ૪૧ હજાર રૂપિયાની સપાટીએ પહોંચ્‍યો છે, જ્‍યારે ચાંદીનો ભાવ ૨ લાખ ૨૦ હજાર રૂપિયા સુધી પહોંચી ગયો છે. ભાવમાં થયેલા આ ભારે ઉછાળાને કારણે બજારમાં ખરીદી મર્યાદિત રહી છે અને વેપારીઓના જણાવ્‍યા અનુસાર માત્ર પાંચ ટકા ખરીદી જોવા મળી છે.

બજાર નિષ્‍ણાતોના મતે વૈશ્વિક રાજકીય અસ્‍થિરતા, ડોલરની નબળાઈ અને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્‍યાજદરમાં ઘટાડાની સંભાવનાઓએ સોનાને ફરી 'સેફ હેવન' તરીકે મજબૂત બનાવ્‍યું છે. રોકાણકારો શેરબજાર અને અન્‍ય જોખમી વિકલ્‍પોથી દૂર રહી સોનું-ચાંદીમાં મૂડી રોકવાનું વધુ પસંદ કરી રહ્યા છે. બીજી તરફ ચાંદીમાં ઔદ્યોગિક માંગમાં વધારો અને રોકાણની વધતી રસએ તેના ભાવને મજબૂત ટેકો આપ્‍યો છે, જેનાથી બંને ધાતુઓમાં તેજી જોવા મળી રહી છે.

વૈશ્વિક સ્‍તરે સોનાના ભાવ રોજ નવી ટોચે પહોંચી રહ્યા છે. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ લગભગ ૪૪૦૦ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ ચાલી રહ્યો છે, જે સર્વોચ્‍ચ સ્‍તર માનવામાં આવે છે. ભારતીય બજારમાં પણ સોનાએ ઓલટાઇમ હાઇ બનાવ્‍યો છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન સોનાના ભાવમાં અંદાજે ૭૦ ટકા વધારો નોંધાયો છે, જેના કારણે આ વર્ષને સોના માટે 'ગોલ્‍ડન યર' તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ તેજી વચ્‍ચે અમેરિકાના જાણીતા અર્થશાસ્‍ત્રી અને માર્કેટ સ્‍ટ્રેટેજિસ્‍ટ એડ યાર્ડેનીની આગાહી રોકાણકારોમાં ચર્ચાનો વિષય બની છે. તેમના અનુમાન મુજબ આ દાયકાના અંત સુધીમાં સોનાના ભાવમાં વધુ જબરદસ્‍ત ઉછાળો આવી શકે છે. તેમણે જણાવ્‍યું છે કે વર્ષ ૨૦૨૯ સુધીમાં સોનાનો ભાવ ૧૦,૦૦૦ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ સુધી પહોંચી શકે છે, જે હાલના સ્‍તરથી લગભગ ૧૨૭ ટકા વધારે છે. જો આ આગાહી સાચી સાબિત થાય તો સોનાના ભાવ લગભગ અઢી ગણા થઈ જશે.

ભારતીય ચલણમાં આ ગણતરી કરીએ તો હાલ મલ્‍ટી કોમોડિટી એક્‍સચેન્‍જ પર ૧૦ ગ્રામ સોનાનો ભાવ અંદાજે ૧ લાખ ૩૫ હજાર રૂપિયાની આસપાસ છે. જો આગામી વર્ષોમાં ૧૨૭ ટકાનો ઉછાળો આવે તો વર્ષ ૨૦૨૯ સુધીમાં ૧૦ ગ્રામ સોનાની કિંમત ૩ લાખ રૂપિયાથી વધુ થઈ શકે છે, જે એક નવો રેકોર્ડ હશે. આ આગાહીએ લાંબા ગાળાના રોકાણકારોમાં ઉત્‍સુકતા વધારી છે, જોકે તાત્‍કાલિક ગાળામાં ઊંચા ભાવના કારણે ઘરેણાંની ખરીદી પર અસર જોવા મળી રહી છે.

એડ યાર્ડેનીએ ભારત વિશે પણ સકારાત્‍મક અભિપ્રાય વ્‍યક્‍ત કર્યો છે. તેમનું માનવું છે કે ભારત અને અમેરિકા વચ્‍ચે મજબૂત ટ્રેડ ડીલ થાય તો ભારતીય શેરબજાર નવી ઊંચાઈઓ સ્‍પર્શી શકે છે. તેઓ ચીનની તુલનામાં ભારતના કાનૂની અને કોર્પોરેટ માળખાને વધુ વિશ્વાસપાત્ર ગણાવે છે અને ભારતમાં રોકાણ માટે લાંબા ગાળે વધુ તક જોવા મળે છે. કુલ મળીને, સોના-ચાંદીની આ તેજી રોકાણકારો માટે તક અને સામાન્‍ય ગ્રાહકો માટે પડકાર બની રહી છે.

(10:11 AM IST)