<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

વર્ષ ૨૦૨૬માં ૧૧૯ દિવસ બંધ રહેશે શેર માર્કેટ

નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જ (NSE) અને બોમ્‍બે સ્‍ટોક એક્‍સચેન્‍જ (BSE)માં કુલ ૧૫ પબ્‍લિક હોલીડે જાહેર કરવામાં આવ્‍યા છે વર્ષ ૨૦૨૬માં રોકાણકારોનું ફોકસ બે મોટી ઈવેન્‍ટ્‍સ પર રહેશે, યુનિયન બજેટ અને મુહૂર્ત ટ્રેડિંગ

મુંબઈ, તા.૨૬: વર્ષ ૨૦૨૬ શેર માર્કેટના રોકાણકારો અને ટ્રેડર્સ માટે થોડું વધુ બ્રેકવાળું રહી શકે છે. નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જ અને બોમ્‍બે સ્‍ટોક એક્‍સચેન્‍જમાં કુલ ૧૫ પબ્‍લિક હોલીડે જાહેર કરવામાં આવ્‍યા છે, જે વર્ષ ૨૦૨૫ની સરખામણીએ વધુ છે. આ ઉપરાંત ૫૨ શનિવાર અને ૫૨ રવિવારે પણ રજા રહેશે. આમ કુલ મળીને વર્ષ ૨૦૨૬માં શેર બજાર કુલ ૧૧૯ દિવસ બંધ રહેશે. આ રજાઓમાં રાષ્‍ટ્રીય તહેવાર, ધાર્મિક તહેવારો અને વિશેષ દિવસોનો સમાવેશ થાય છે. જેની સીધી અસર ટ્રેડિંગ પ્‍લાનિંગ, ઇન્‍વેસ્‍ટમેન્‍ટ સ્‍ટ્રેટેજી અને સેટલમેન્‍ટ પર પડી શકે છે, જેથી રોકાણકારો માટે અગાઉથી તૈયારી કરવી જરૂરી છે.

૧૫ને બદલે ૧૬ રજાઓ - રોકાણકારો વચ્‍ચે ચર્ચા છે કે ૨૦૨૬માં ૧૫ નહીં, પરંતુ ૧૬ રજાઓ હોઈ શકે છે. કારણ છે ૧૫ જાન્‍યુઆરી, ૨૦૨૬એ પ્રસ્‍તાવિત બળહદમુંબઈ નગર નિગમ ચૂંટણી. પહેલાં પણ ૨૦૧૭માં BMCની ચૂંટણી દરમિયાન શેર માર્કેટમાં રજા આપવામાં આવી હતી. જોકે, હાલ આ અંગે કોઈ અધિકારીક જાહેરાત નથી કરાઈ.

પ્રજાસત્તાક દિવસથી થશે રજાઓની શરૂઆત - શેર માર્કેટની રજાઓની શરૂઆત ૨૬ જાન્‍યુઆરી, ૨૦૨૬ને સોમવારે પ્રજાસત્તાક દિવસથી શરૂ થશે. આ રાષ્‍ટ્રીય રજાના દિવસે ઇક્‍વિટી, ડેરિવેટિવ્‍ઝ અને કરન્‍સી સેગમેન્‍ટમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય. વર્ષની શરૂઆતમાં જ આ પ્રથમ મોટો બ્રેક હશે, જેને રોકાણકારો પોતાના વાર્ષિક પ્‍લાનિંગ માટે જોઈ શકે છે.

માર્ચમાં ઘણી રજાઓ- માર્ચ ૨૦૨૬ રોકાણકારો માટે સૌથી વધુ રાહત લઈને આવશે, કારણ કે આ મહિને ૩ મોટી રજાઓ છે. ૩ માર્ચે હોળી, ૨૬ માર્ચે શ્રી રામ નવમી અને ૩૧ માર્ચે શ્રી મહાવીર જયંતિના કારણે માર્કેટ બંધ રહેશે. સતત ઘણી રજાઓના કારણે આ મહિને ટ્રેડિંગ સેશન ઓછા રહેશે, જેનાથી શોર્ટ ટર્મ ટ્રેડર્સને પોતાની પોઝિશન સાંભળીને જાળવવી પડશે.

એપ્રિલ-મેની રજાઓ - એપ્રિલ અને મે મહિનામાં પણ માર્કેટ ઘણા દિવસો બંધ રહેશે. જેમાં ૩ એપ્રિલે ગુડ ફ્રાઈડે, ૧૪ એપ્રિલે ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ અને ૧ મેના રોજ મહારાષ્‍ટ્ર દિવસના કારણે NSE અને BSE બંધ રહેશે. આ રજાઓ ખાસ કરીને લોન્‍ગ ટર્મ રોકાણકારો માટે એટલી પડકારજનક નથી હોતી, પરંતુ ડેઇલી ટ્રેડર્સ માટે વોલ્‍યુમ અને વોલેટિલિટી પર અસર કરી શકે છે.

મીડ યરમાં ધાર્મિક તહેવારોની રજાઓ - વર્ષના મધ્‍યમાં પણ માર્કેટ કેટલાક બ્રેક લેશે. ૨૮ મેના રોજ બકરી ઈદ, ૨૬ જૂને મોહર્રમ અને ૧૪ સપ્‍ટેમ્‍બરે ગણેશ ચતુર્થીના કારણે શેર માર્કેટ બંધ રહેશે. ખાસ કરીને ગણેશ ચતુર્થી મહારાષ્‍ટ્રમાં મોટો તહેવાર છે, જેથી આ દિવસે ટ્રેડિંગ સંપૂર્ણપણે બંધ રહે છે. આ રજાઓની આસપાસ માર્કેટમાં પહેલેથી જ હલચલ જોઈ શકાય છે.

ઓક્‍ટોબર-નવેમ્‍બરની ફેસ્‍ટિવ સીઝન - તહેવારોની સીઝનમાં પણ માર્કેટમાં રજાઓ રહેશે. ૨ ઓક્‍ટોબરે ગાંધી જયંતિ, ૨૦ ઓક્‍ટોબરે દશેરા, ૧૦ નવેમ્‍બરે દિવાળી અને ૨૪ નવેમ્‍બરે ગુરુ નાનક દેવ જયંતિની રજાઓ રહેશે. દિવાળીની આસપાસ સામાન્‍ય રીતે મુહૂર્ત ટ્રેડિંગ થાય છે, જે રોકાણકારો માટે ખાસ આકર્ષણ રહે છે.

વર્ષની છેલ્લી રજા - વર્ષની છેલ્લી રજા ક્રિસમસ પર હશે અને ૨૫ ડિસેમ્‍બરે શેર માર્કેટ બંધ રહેશે. ત્‍યારબાદ વર્ષનો અંત સામાન્‍ય ટ્રેડિંગ સાથે થશે. વર્ષના અંતિમ દિવસોમાં સામાન્‍ય રીતે વોલ્‍યુમ થોડો ઓછો રહે છે, કારણ કે વિદેશી રોકાણકારો આ દરમિયાન રજાઓ પર હોય છે.

બજેટ અને મુહૂર્ત ટ્રેડિંગ - વર્ષ ૨૦૨૬માં રોકાણકારોનું ફોકસ બે મોટી ઈવેન્‍ટ્‍સ પર રહેશે, યુનિયન બજેટ અને મુહૂર્ત ટ્રેડિંગ. ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ શનિવાર હોવાથી જો સરકાર કોઈ અન્‍ય દિવસે બજેટ રજૂ કરે છે કે વિશેષ ટ્રેડિંગ સેશનની જાહેરાત કરે છે, તો માર્કેટમાં હલચલ જોવા મળી શકે છે. જેથી રોકાણકારોએ માત્ર હોલીડે લિસ્‍ટ જ નહીં, આ ખાસ દિવસો પર પણ નજર રાખવી જોઈએ.

(10:50 AM IST)