માત્ર ડોલ નહીં આપવાના કારણે ભુવનેશ્વરની શાળામાં નવમા ધોરણના વિદ્યાર્થીની ગળું દબાવી હત્યા: 'જોકર ગેંગ'ના ત્રણ સગીરોની ધરપકડ, શાળાના આઠ અધિકારીઓ જેલભેગા
પિતાએ રડતા હૃદયે જણાવ્યું હતું કે, તેમણે તેમના પુત્રને સારા શિક્ષણ માટે ભુવનેશ્વર મોકલ્યો હતો જેથી તે પરિવારની ગરીબી દૂર કરી શકે, પરંતુ શાળાની બેદરકારી અને ગુંડાગીરીએ તેમના માસૂમ પુત્રનો જીવ લઈ લીધો

ભુવનેશ્વર: ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં આવેલી વિશ્વની સૌથી મોટી આદિવાસી રહેણાંક શાળા 'કિસ' (કે.આઈ.એસ.એસ.) માં ૧૪ વર્ષના વિદ્યાર્થી શિબા મુંડાની નિર્મમ હત્યા કરવામાં આવી છે. શાળા વહીવટીતંત્રે આ ઘટનાને હૃદયરોગનો હુમલો ગણાવીને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે 'જોકર ગેંગ' નામથી કુખ્યાત ત્રણ સગીર વિદ્યાર્થીઓની અટકાયત કરી છે અને પુરાવા નષ્ટ કરવાના આરોપમાં શાળાના વધારાના સી.ઈ.ઓ. સહિત આઠ કર્મચારીઓની ધરપકડ કરી છે.
ઓડિશાની જાણીતી કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (કિસ) શાળાના હોસ્ટેલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતા શિબા મુંડા નામના વિદ્યાર્થીની હત્યાના સમાચારથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. ૧૧ ડિસેમ્બર ૨૦૨૫ની રાત્રે બનેલી આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે શિબાની હત્યા તેના જ સહપાઠીઓ દ્વારા કરવામાં આવી હતી.
માત્ર એક ડોલ માટે ખેલાયો ખૂની ખેલ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હોસ્ટેલના બાથરૂમમાં ડોલ વાપરવા જેવી નજીવી બાબતે વિવાદ થયો હતો. શાળામાં સક્રિય 'જોકર ગેંગ' તરીકે ઓળખાતા ત્રણ સગીર વિદ્યાર્થીઓએ શિબા પાસે ડોલ માંગી હતી. શિબાએ ના પાડતા ઉશ્કેરાયેલા આ ત્રણેય વિદ્યાર્થીઓએ તેને બેરહેમીથી માર માર્યો હતો અને ત્યારબાદ તેનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. આ ગેંગ હોલીવુડની 'જોકર' મૂવીથી પ્રેરિત હતી અને હોસ્ટેલની દીવાલો પર પણ પોતાના જૂથનું નામ લખતી હતી
શાળાના સત્તાધીશોએ સત્ય છુપાવ્યુંa
ઘટના બાદ શાળાના સત્તાધીશોએ પોલીસને જાણ કરવાને બદલે કેસ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. ૧૨ ડિસેમ્બરની સવારે શિબાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. શાળાએ શિબાના પરિવારને ખોટી માહિતી આપી હતી કે તેમનો પુત્ર બીમાર પડ્યો છે. જ્યારે પરિવાર ભુવનેશ્વર પહોંચ્યો, ત્યારે તેમને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો અને એવું જૂઠું બોલાયું કે શિબાનું મોત હૃદયરોગના હુમલાથી અથવા બાથરૂમમાં લપસી જવાથી થયું છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
શિબાના પિતા રઘુનાથ મુંડાને પુત્રના ગળા પર નિશાન જોઈને શંકા ગઈ હતી. તેમણે કીઓંજર પોલીસ સ્ટેશનમાં 'ઝીરો એફ.આઈ.આર.' નોંધાવી હતી. ત્યારબાદ કીઓંજરમાં કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે શિબાનું મોત ગળું દબાવવાના કારણે (સ્ટ્રેન્ગ્યુલેશન) થયું છે. આ રિપોર્ટ બાદ ભુવનેશ્વર પોલીસ કમિશનર એસ. દેવ દત્તા સિંઘે આ મામલે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા.
પોલીસે આ મામલે અત્યાર સુધીમાં નીચે મુજબની કાર્યવાહી કરી છે:
* 'જોકર ગેંગ'ના ત્રણેય સગીર આરોપીઓની અટકાયત કરી તેમને જ્યુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.
* પુરાવા નષ્ટ કરવા, બેદરકારી દાખવવા અને પોલીસને જાણ ન કરવા બદલ શાળાના વધારાના સી.ઈ.ઓ. પ્રમોદ પાત્રા અને હોસ્ટેલ વોર્ડન સહિત આઠ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે.
શિબાના પિતાએ રડતા હૃદયે જણાવ્યું હતું કે, તેમણે તેમના પુત્રને સારા શિક્ષણ માટે ભુવનેશ્વર મોકલ્યો હતો જેથી તે પરિવારની ગરીબી દૂર કરી શકે, પરંતુ શાળાની બેદરકારી અને ગુંડાગીરીએ તેમના માસૂમ પુત્રનો જીવ લઈ લીધો. હાલમાં ચિલ્ડ્રન રાઈટ્સ કમિશન અને નેશનલ કમિશન ફોર શિડ્યુલ્ડ ટ્રાઈબ્સ (એન.સી.એસ.ટી.) એ પણ આ મામલે તપાસ તેજ કરી છે.
ધરપકડ: પોલીસે પ્રિન્સિપાલ રશ્મી રંજન નાયક અને વધારાના સી.ઈ.ઓ. પ્રમોદ કુમાર પાત્રા સહિત ૮ કર્મચારીઓની ધરપકડ કરી છે.
આ પહેલીવાર નથી જ્યારે આ સંસ્થા વિવાદોમાં આવી હોય. અગાઉ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ નેપાળની બી.ટેક.ની વિદ્યાર્થિની પ્રકૃતિ લામસાલે હોસ્ટેલમાં આત્મહત્યા કરી હતી, જેનો પડઘો નેપાળની સંસદ સુધી પડ્યો હતો. એ જ રીતે મે ૨૦૨૫માં છત્તીસગઢના બી.ટેક.ના વિદ્યાર્થી રાહુલ યાદવે પણ હોસ્ટેલમાં આત્મહત્યા કરી હતી.
વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં સંસ્થાના સંચાલકો યોગ્ય ધ્યાન ન આપતા હોવાના ગંભીર આક્ષેપો પરિવારો દ્વારા કરવામાં આવ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
