<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

બાંગ્લાદેશમાં લોહીતરસી હિંસા: દીપુ દાસની હત્યા બાદ વધુ એક હિન્દુ યુવકની લિંચિંગ, ૧૭ વર્ષે વતન પરત ફરેલા તારિક રહેમાને નમાજ પઢી ચૂંટણીના શંખનાદ કર્યા

હિન્દુ લઘુમતીઓ પર અત્યાચાર ચાલુ: દીપુ દાસ કેસમાં ૧૮ આરોપીઓની ધરપકડ અને ૪ ની કબૂલાત, બીજી તરફ ૧૭ વર્ષના દેશનિકાલ બાદ તારિક રહેમાન બોગુરા-૬ બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારીમાં

ઢાકા : બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ લઘુમતી હિન્દુઓ પર થતા હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. કાપડ ફેક્ટરીના કામદાર દીપુ ચંદ્ર દાસની કરૂણ હત્યાના પડઘા હજુ શાંત પડ્યા નથી ત્યાં જ રાજબારી જિલ્લામાં વધુ એક હિન્દુ યુવક અમૃત મંડલ ઉર્ફે સમ્રાટની ટોળા દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે. એક તરફ દેશમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઊડી રહ્યા છે, ત્યારે બીજી તરફ વિપક્ષી નેતા તારિક રહેમાનના આગમન સાથે રાજકારણ ગરમાયું છે.
 બુધવારે રાત્રે રાજબારીના પંગશા વિસ્તારમાં ૨૯ વર્ષીય અમૃત મંડલને ટોળાએ ઘેરીને એટલો નિર્દયતાથી માર માર્યો કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેણે દમ તોડી દીધો. જોકે, મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે આ ઘટનાને કોમી હિંસા ગણવાનો ઇનકાર કર્યો છે. સરકારનું કહેવું છે કે અમૃત મંડલ એક ગુનેગાર હતો અને લૂંટના ઇરાદે આવ્યો હોવાથી સ્થાનિકો સાથેની અથડામણમાં તેનું મોત થયું છે. પરંતુ હિન્દુ સંગઠનો આને સોનિયોજિત લિંચિંગ ગણાવી રહ્યા છે.
: દીપુ ચંદ્ર દાસની હત્યાના કેસમાં તપાસ તેજ બની છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ ૧૮ લોકોની ધરપકડ કરી છે, જેમાં તાજેતરમાં પકડાયેલા ૬ લોકોનો પણ સમાવેશ થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે મુખ્ય ચાર આરોપીઓ - તારિક હુસૈન, માનિક મિયાં, નિઝામુલ હક અને અજમલ ચાગિલ - એ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. ઢાકામાં નેશનલ પ્રેસ ક્લબ ખાતે હિન્દુ મહાજોતે આ હત્યાકાંડના વિરોધમાં પ્રચંડ પ્રદર્શન કર્યું હતું.
 ૧૭ વર્ષ બાદ લંડનથી પરત ફરેલા BNP નેતા તારિક રહેમાન આજે પૂરેપૂરા એક્શન મોડમાં જોવા મળ્યા હતા. તેમણે ૧૭ વર્ષ બાદ બાંગ્લાદેશની ધરતી પર શુક્રવારની નમાજ અદા કરી હતી અને પોતાના પિતા ઝિયાઉર રહેમાનના મકબરા પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, તેમના સ્વાગત માટે ઉમટેલી મેદનીએ જે કચરો કર્યો હતો, તે સાફ કરવા માટે BNP એ સ્પેશિયલ સફાઈ અભિયાન શરૂ કર્યું છે. આવતીકાલે તારિક રહેમાન બોગુરા-૬ બેઠક પરથી ચૂંટણી માટે ફોર્મ ભરશે.
 ફેબ્રુઆરી ૨૦૨૬માં યોજાનારી ચૂંટણી માટે જમાત-એ-ઇસ્લામી અને નેશનલ સિટીઝન પાર્ટી (NCP) વચ્ચે સીટ-વહેંચણીની વાટાઘાટો ચાલી રહી છે. જોકે, ઇસ્લામિક પક્ષોના ગઠબંધનમાં ફૂટ પડી રહી હોય તેવું જણાય છે, કારણ કે મામુનુલ હકની ખિલાફત મજલિસ આ જોડાણમાંથી બહાર નીકળવાનું વિચારી રહી છે. પૂર્વ ભારતીય રાજદૂત વીણા સિકરીનું માનવું છે કે તારિકના આગમનથી BNP ની લોકપ્રિયતામાં મોટો ઉછાળો આવશે

(9:00 PM IST)