<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

મહારાષ્ટ્રમાં ‘ઠાકરે બ્રાન્ડ’ એક થઈ પણ MVA માં ભંગાણ: ૨૦ વર્ષ બાદ ઉદ્ધવ-રાજ સાથે આવતા શરદ પવારે પણ બદલી ચાલ, હવે કોંગ્રેસનું શું થશે?

૨૯ મહાનગરપાલિકાઓની ચૂંટણી પહેલા રાજકીય ખેલ: રાજ ઠાકરેની એન્ટ્રીથી કોંગ્રેસ મૂંઝવણમાં, લઘુમતી અને ઉત્તર ભારતીય મતો બચાવવા પંજો એકલો લડશે? જાણો પવારની નવી વ્યૂહરચના

મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં કહેવાય છે કે અહીં ક્યારેય સ્થિરતા કાયમી હોતી નથી, અને આ વાત ફરી એકવાર સાબિત થઈ છે. લગભગ બે દાયકાના મનભેદ અને મતભેદ બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ફરી એકવાર સત્તાના સિંહાસન માટે હાથ મિલાવી રહ્યા છે. ઠાકરે બંધુઓના આ મિલને માત્ર શિવસેનાના કાર્યકરોમાં જ નહીં, પણ સમગ્ર રાજ્યના રાજકીય આલમમાં ખળભળાટ મચાવી દીધો છે. પરંતુ આ ગઠબંધને ‘મહા વિકાસ આઘાડી’ (MVA) ના અસ્તિત્વ સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે.
 રાજકારણના ચાણક્ય ગણાતા શરદ પવારે ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ વહેતી ગંગામાં હાથ ધોવામાં માહિર છે. ઠાકરે બંધુઓ એક થતા જ પવારે MVA ના જૂના સાથી કોંગ્રેસને બદલે નવા ‘ઠાકરે ગઠબંધન’ તરફ ઝુકાવ બતાવવાનું શરૂ કર્યું છે. પવાર જાણે છે કે મુંબઈ અને આસપાસના શહેરોમાં મરાઠી મતોનું ધ્રુવીકરણ જીતવા માટે આ જોડી અનિવાર્ય છે. પરિણામે, કોંગ્રેસ હવે આ ગઠબંધનમાં હાંસિયામાં ધકેલાઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે.
 કોંગ્રેસ માટે સૌથી મોટી મુશ્કેલી રાજ ઠાકરેનો ભૂતકાળ છે. રાજ ઠાકરેની ‘મનસે’ પાર્ટીએ અગાઉ ઉત્તર ભારતીયો વિરુદ્ધ જે આક્રમક વલણ અપનાવ્યું હતું, તેના કારણે કોંગ્રેસ તેમની સાથે સ્ટેજ શેર કરતા ડરે છે. કોંગ્રેસને ભય છે કે જો તેઓ રાજ ઠાકરે સાથે જશે, તો તેમના લઘુમતી, દલિત અને સ્થળાંતરિત (Migrant) મતદારો નારાજ થઈ જશે. આથી જ આગામી ૧૫ જાન્યુઆરીએ યોજાનારી ૨૯ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસ ‘એકલા હાથે’ લડવાની તૈયારી કરી રહી છે.
 ૧૫ જાન્યુઆરીએ મુંબઈ (BMC) સહિતની પાલિકા ચૂંટણીઓ કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ બની રહેશે. તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસે મુખ્ય વિપક્ષ તરીકે ઉભરીને ભાજપને ટક્કર આપી હતી. હવે ઠાકરે બંધુઓ સામે લડવું અને ભાજપને પણ રોકવું એ કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા જેવું છે. જો કોંગ્રેસ આ વિભાજનમાં લઘુમતી અને ગરીબ વર્ગના મતો મેળવવામાં સફળ રહે છે, તો તે ૨૦૨૭ માટે મોટી તાકાત બનશે, અન્યથા તેનું રાજકીય પતન નિશ્ચિત મનાય છે.
 એક તરફ વિપક્ષી મતોમાં ભંગાણ પડી રહ્યું છે, ત્યારે ભાજપ અને શિંદે જૂથ (મહાયુતિ) આ સ્થિતિનો ફાયદો ઉઠાવવા તૈયાર છે. જ્યારે વિરોધ પક્ષો ત્રણ-ચાર ભાગમાં વહેંચાયેલા હોય, ત્યારે મતોના વિભાજનનો સીધો ફાયદો સત્તારૂઢ ગઠબંધનને મળી શકે છે. મહારાષ્ટ્રના મતદારો હવે કોને પસંદ કરશે - ‘એક થયેલા ઠાકરે’, ‘એકલા લડતી કોંગ્રેસ’ કે ‘મજબૂત મહાયુતિ’? તે જોવું રસપ્રદ રહેશે

(9:06 PM IST)