તા. ૨૪ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૮ મંગળવાર
અંકિતા ભંડારી કેસમાં નવો વળાંક: ભાજપના દિગ્ગજ નેતા દુષ્યંત ગૌતમનું નામ ઉછળતા ખળભળાટ, "ષડયંત્ર સાબિત થાય તો જાહેર જીવનમાંથી સંન્યાસ લઈ લઈશ!"
વાયરલ ઓડિયો-વીડિયોથી ઉત્તરાખંડનું રાજકારણ ગરમાયું: પૂર્વ સાંસદે ગૃહ સચિવને લખ્યો પત્ર, છબી ખરડાવનારા તત્વો સામે માનહાનિ અને કાયદેસરની કાર્યવાહીની ચીમકી, જાણો શું છે ‘ઉર્મિલા સનાવર’ કનેક્શન

દહેરાદૂન : દેવભૂમિ ઉત્તરાખંડને હચમચાવી દેનારા અંકિતા ભંડારી હત્યાકાંડમાં અત્યાર સુધી અનેક વળાંકો આવ્યા છે, પરંતુ તાજેતરમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ દુષ્યંત ગૌતમનું નામ આ વિવાદમાં ખેંચાતા રાજ્યમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક કથિત વીડિયો અને ઓડિયો બાદ દુષ્યંત ગૌતમે મૌન તોડ્યું છે અને વિરોધીઓને ખુલ્લી ચેતવણી આપી છે.
ભાજપના નેતા દુષ્યંત ગૌતમે ખૂબ જ દુઃખ સાથે પોતાની સ્પષ્ટતા રજૂ કરતા જણાવ્યું કે, તેમણે પોતાના જીવનના ૪૭ વર્ષ ઉત્તરાખંડની જનતા અને સામાજિક મૂલ્યો માટે સમર્પિત કર્યા છે. તેમણે ભાવુક થતા કહ્યું, "મેં હંમેશા દીકરીઓના સન્માનને સૌથી ઉપર રાખ્યું છે. કેટલાક અસામાજિક તત્વો મારી છબી ખરડાવવા માટે મિથ્યા આરોપો લગાવી રહ્યા છે. જો મારી વિરુદ્ધ એક પણ પુરાવો મળે તો હું રાજકીય, સામાજિક અને ધાર્મિક જીવનમાંથી કાયમી નિવૃત્તિ લઈ લઈશ."
આ વિવાદ વધતા દુષ્યંત ગૌતમે ઉત્તરાખંડના ગૃહ સચિવ શૈલેષ બગૌલીને પત્ર લખીને કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ એક ‘ગુનાહિત ષડયંત્ર’ છે અને સોશિયલ મીડિયા પર જે નકલી ઓડિયો-વીડિયો ફેલાવવામાં આવી રહ્યા છે તેના સ્ત્રોતની તપાસ થવી જોઈએ. તેમણે તે તમામ ન્યૂઝ ચેનલો અને પ્લેટફોર્મ્સ સામે માનહાનિનો દાવો કરવાની પણ ચીમકી આપી છે જેઓ આ ભ્રામક સમાચાર ફેલાવી રહ્યા છે.
આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં ઉર્મિલા સનાવર નામની એક મહિલા છે, જે પોતાને હરિદ્વારના પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડની પત્ની ગણાવે છે. તેના વાયરલ વીડિયોમાં તેણે ૨૦૨૨ના અંકિતા ભંડારી કેસ અંગે ગંભીર અને વિવાદાસ્પદ દાવા કર્યા છે. જોકે, દહેરાદૂન પોલીસે હવે આ મહિલાની ઘેરાબંધી શરૂ કરી છે. ઉર્મિલા સામે બ્લેકમેઇલિંગ અને વાંધાજનક સામગ્રી ફેલાવવા બદલ બે અલગ-અલગ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
દહેરાદૂનના એસએસપી અજય સિંહે આ મામલે તપાસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે ઉર્મિલા સનાવરના ભૂતકાળના તમામ સોશિયલ મીડિયા રેકોર્ડ અને તેની સામે નોંધાયેલા કેસોની ઊંડી તપાસ કરવામાં આવે. શું આ ખરેખર કોઈ મોટું સત્ય છે કે પછી નેતાઓને બદનામ કરવાનું કોઈ સુનિયોજિત કાવતરું? તે તો પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ હાલ તો અંકિતા ભંડારીના નામે ઉત્તરાખંડની શાંતિમાં પલિતો ચંપાયો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
