<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th December 2025

ભારત-અમેરિકા વચ્ચે ‘મહા-ડીલ’ની તૈયારી: ટ્રમ્પના નિવાસસ્થાન ‘માર-એ-લાગો’માં રંધાયું વેપારનું નવું ગણિત, શું ૫૦% ટેરિફમાંથી મળશે મુક્તિ?

ભારતીય રાજદૂત વિનય ક્વાત્રા અને અમેરિકી રાજદૂત સર્જિયો ગોર વચ્ચે ફ્લોરિડામાં મહત્વની બેઠક: જાન્યુઆરીમાં ભારત આવશે નવા અમેરિકી રાજદૂત, ૨૦૩૦ સુધીમાં $૫૦૦ અબજના વેપારનું લક્ષ્ય સાધવા કમર કસાઈ

નવી દિલ્હી :  ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થવાના સંકેત મળી રહ્યા છે. અમેરિકાના ભાવિ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત ભવ્ય નિવાસસ્થાન ‘માર-એ-લાગો’ ખાતે ભારતીય રાજદૂત વિનય ક્વાત્રા અને અમેરિકાના ભારત માટેના નિયુક્ત રાજદૂત સર્જિયો ગોર વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મુલાકાતને ભારત-યુએસ વેપાર કરાર (Trade Deal) ને અંતિમ ઓપ આપવા માટેના માસ્ટરપ્લાન તરીકે જોવામાં આવી રહી છે.
 આ બેઠકનો મુખ્ય એજન્ડા ભારત પર લાદવામાં આવેલા ૫૦% ટેરિફમાં ઘટાડો અને બંને દેશો વચ્ચે વ્યાપક બજાર ઍક્સેસ પુનઃસ્થાપિત કરવાનો હતો. ભારત સરકાર ઈચ્છે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ લાદવામાં આવેલા આકરા દંડમાંથી ભારતીય નિકાસકારોને વહેલી તકે મુક્તિ મળે. બીજી તરફ, અમેરિકા બદામ, મકાઈ અને સફરજન જેવા કૃષિ ઉત્પાદનો પર ભારતમાં વધુ છૂટછાટની માંગ કરી રહ્યું છે.
: અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગોર જાન્યુઆરીના મધ્યમાં નવી દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. વિનય ક્વાત્રાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ગોર સાથેની ચર્ચામાં દ્વિપક્ષીય ભાગીદારી અને વેપાર સંબંધોને મજબૂત બનાવવાના સહિયારા લક્ષ્યો પર ભાર મૂકવામાં આવ્યો છે. ગોરના આગમન સાથે જ વર્ષોથી લટકેલા વેપાર કરાર પર મહોર વાગે તેવી પ્રબળ સંભાવના છે.
 અમેરિકાની આયાત ગુણવત્તા નિરીક્ષણો અંગેની ચિંતાઓને દૂર કરવા માટે ભારતે તાજેતરમાં જ મોટા પાયે વહીવટી સુધારાઓની જાહેરાત કરી છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) ના ચેરમેન જક્ષય શાહના જણાવ્યા મુજબ, હવે આયાત મંજૂરીની પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવામાં આવી છે, જેથી અમેરિકી કંપનીઓને ભારતમાં વેપાર કરવામાં સરળતા રહે.
 ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે વાર્ષિક ૧૯૧ અબજ ડોલરનો વેપાર થાય છે, જેને ૨૦૩૦ સુધીમાં વધારીને ૫૦૦ અબજ ડોલર સુધી લઈ જવાની નેમ છે. ૨૦૨૪-૨૫માં અમેરિકા ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર રહ્યો છે. નવેમ્બર મહિનામાં જ ભારતની અમેરિકામાં નિકાસમાં ૨૨.૬૧% નો મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે દર્શાવે છે કે ઊંચા ટેરિફ છતાં ભારતીય માલની માંગ અમેરિકામાં યથાવત છે. હવે જો ટેરિફ ઘટે છે, તો ભારતીય અર્થતંત્રને મોટો વેગ મળશે

(9:11 PM IST)