News of Saturday, 27th December 2025
સીરિયામાં નમાજ દરમિયાન મસ્જિદમાં બ્લાસ્ટઃ ૮ના મોત, ૨૦થી વધુ ઘાયલ...
ભરબપોરે થયેલા આ બ્લાસ્ટની હજી સુધી કોઈ સંગઠન દ્વારા જવાબદારી લેવામાં આવી નથી

હોમ્સ, સીરિયા,તા.૨૭: સીરિયાના હોમ્સમાં એક મસ્જિદમાં ભયનાક બ્લાસ્ટ થયો છે. હોમ્સમાં અલાવાઈટ લઘુમતી સમુદાયની એક મસ્જિદમાં વિસ્ફોટ થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ બ્લાસ્ટમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે. આ બ્લાસ્ટ હોમ્સ ઇમામ અલી બિન અબી તાલિબ મસ્જિદની અંદર થયો છે. અત્યારે સુરક્ષા કર્મીઓ દ્વારા આખા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આ બ્લાસ્ટ બપોરની નમાઝ દરમિયાન થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મોટા ભાગે બપોરની નમાઝ દરમિયાન મસ્જિદમાં સૌથી વધારે ભીડ રહેતી હોય છે. હોમ્સમાં પણ આ દરમિયાન જ બ્લાસ્ટ થયો છે. સીરિયાની સરકારી એજન્સીઓ દ્વારા આ બ્લાસ્ટની કેટલીક તસવીરો પણ જાહેર કરવામાં છે. આ તસવીરો પ્રમાણે મસ્જિદની અંદરની દિવાલો પર લોહીના દાગ જોવા મળ્યાં છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી તપાસ પ્રમાણે મસ્જિદની અંદર બોમ્બ રાખવામાં આવ્યો હતો. આખા વિસ્તારની ઘેરાબંધી કરી દેવામાં આવી છે.
સીરિયાના આરોગ્ય મંત્રાલયના અધિકારી નજીબ અલ-નાસને જણાવ્યું હતું કે, આ ઘટનામાં ૨૧ લોકો ઘાયલ થયા છે. આ આંકડા પ્રાથમિક છે અને મૃત્યુઆંક વધી શકે તેવી શક્યતાઓ છે. અત્યારે સુરક્ષા કર્મચારીઓ દ્વારા રાહતનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે મસ્જિદમાંથી કાટમાળને પણ દૂર કરવામાં આવી રહ્યો છે.
ભરબપોરે સીરિયામાં થયેલા આ બ્લાસ્ટની હજી સુધી કોઈ સંગઠન દ્વારા જવાબદારી લેવામાં આવી નથી
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
