News of Saturday, 27th December 2025
ઇન્દોર-અમદાવાદ હાઈવે પર અકસ્માત : ટ્રકની ટક્કરથી બસ પલટી ખાતા એક મુસાફરનું મોત: 17 લોકોને ઇજા
મધ્યપ્રદેશ પરિવહનની બસ ઇન્દોર-અમદાવાદ હાઈવે પર દાહોદના જાલત ગામ નજીક આવેલી અવંતિકા હોટલ પાસે ટર્ન લેતી હતી ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે બસને જોરદાર ટક્કર મારી

ઇન્દોર-અમદાવાદ હાઈવે પર દાહોદના જાલત નજીક મધ્યપ્રદેશ પરિવહનની બસને ટ્રકે જોરદાર ટક્કર મારતા બસ પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે 17 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશ પરિવહનની બસ ઇન્દોર-અમદાવાદ હાઈવે પરથી પસાર થઈ રહી હતી. દાહોદના જાલત ગામ નજીક આવેલી અવંતિકા હોટલ પાસે જ્યારે બસ ટર્ન લઈ રહી હતી, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે બસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ રસ્તા પર પલટી મારીને લાંબે સુધી ઘસડાઈ હતી.
અકસ્માતને પગલે હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત મદદ માટે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તમામ 17 ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કમનસીબે, આ અકસ્માતમાં એક મુસાફરે જીવ ગુમાવ્યો છે, જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
અકસ્માતની ગંભીરતાને જોતા DySP સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
