News of Saturday, 27th December 2025
પંજાબમાં ફિલ્મી ઢબે એન્કાઉન્ટર: લૂંટારુઓએ પોલીસની છાતીમાં ગોળી મારી, પણ બુલેટપ્રૂફ જેકેટે જમદૂતને પાછા વાળ્યા!
હોશિયારપુરમાં મની એક્સચેન્જ લૂંટના આરોપીઓ સાથે આમને-સામને જંગ; પોલીસે ગોળીબાર વચ્ચે જીવના જોખમે ૩ ખૂંખાર ગુનેગારોને દબોચ્યા

હોશિયારપુર : પંજાબના હોશિયારપુર જિલ્લામાં પોલીસ અને સશસ્ત્ર લૂંટારુઓ વચ્ચે બોલિવૂડ એક્શન ફિલ્મ જેવું દિલધડક એન્કાઉન્ટર સર્જાયું છે. ૧૬ ડિસેમ્બરના રોજ થયેલી મની એક્સચેન્જ લૂંટના આરોપીઓને પકડવા ગયેલી પોલીસ ટીમ પર ગુનેગારોએ આડેધડ ગોળીબાર કર્યો હતો. સદનસીબે, પોલીસ અધિકારીએ પહેરેલા બુલેટપ્રૂફ જેકેટે ઢાલ બનીને તેમનો જીવ બચાવ્યો હતો.
બાતમી મળી ને પોલીસ ત્રાટકી
ઘટનાની વિગત એવી છે કે, એસએસપી સંદીપ કુમાર મલિકને ચોક્કસ બાતમી મળી હતી કે નંબર પ્લેટ વગરની બાઇક પર કેટલાક શંકાસ્પદ શખ્સો કોઈ મોટી ગુનાહિત ઘટનાને અંજામ આપવા જઈ રહ્યા છે. પોલીસે તરત જ બિરલોન ગામ પાસે છટકું ગોઠવ્યું. જ્યારે પોલીસે આ શંકાસ્પદોને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે લૂંટારુઓએ પોલીસ વાહન અને અધિકારીઓ પર સીધું ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
બુલેટપ્રૂફ જેકેટ ન હોત તો મોટી દુર્ઘટના સર્જાત
લૂંટારુઓએ છોડેલી એક ગોળી પોલીસ જીપના કાચ તોડીને અંદર ઘૂસી ગઈ હતી, જ્યારે બીજી ગોળી એક પોલીસ કર્મચારીની છાતીમાં વાગી હતી. જોકે, બુલેટપ્રૂફ જેકેટ પહેરેલું હોવાથી કર્મચારીનો આબાદ બચાવ થયો હતો. પોલીસે સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરી, જેમાં એક લૂંટારુના પગમાં ગોળી વાગી હતી અને તે નીચે પડી ગયો હતો. ત્યારબાદ પોલીસે ઘેરો ઘાલીને ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા.
લૂંટારુ ગેંગનો પર્દાફાશ
પકડાયેલા આરોપીઓની ઓળખ ઓંકાર સિંહ, રામ આસરા અને અરમાન તરીકે થઈ છે. પોલીસે તેમની પાસેથી ત્રણ ગેરકાયદેસર દેશી પિસ્તોલ અને ગુનામાં વપરાયેલી બાઇક જપ્ત કરી છે. આ ટોળકી ૧૬ ડિસેમ્બરે માહિલપુરમાં માસ્ક પહેરીને મની એક્સચેન્જની દુકાનમાં ઘૂસી હતી અને બંદૂકની અણીએ મોટી રકમની લૂંટ ચલાવી હતી. આરોપીઓ પર અગાઉ પણ ડ્રગ્સ અને હિંસક હુમલાના કેસ નોંધાયેલા છે.
હોસ્પિટલમાં સારવાર અને પૂછપરછ
એન્કાઉન્ટરમાં ઘવાયેલા આરોપીને હાલ પોલીસ સુરક્ષા હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ ગેંગે પંજાબના અન્ય કયા વિસ્તારોમાં લૂંટને અંજામ આપ્યો છે. એસએસપી સંદીપ મલિકે જણાવ્યું કે, પોલીસ જવાનોની સતર્કતા અને સુરક્ષા સાધનોને કારણે આજે એક મોટી સફળતા મળી છે અને ગુનેગારોમાં પોલીસનો ડર પેસી ગયો છે.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
