<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

નવા વર્ષની પાર્ટીમાં નિયમો તોડ્યા તો જેલભેગા થશો! બેંગલુરુ પોલીસની પબ અને હોટલ માલિકોને 'લાલ આંખ', સુરક્ષાના નિયમોનું પાલન કરવું ફરજિયાત

દારૂ પીધા પછી ગ્રાહકોને સુરક્ષિત ઘરે પહોંચાડવાની જવાબદારી હોટલની રહેશે; ડ્રગ્સ, સીસીટીવી અને મહિલા સુરક્ષા બાબતે પોલીસ કમિશનરની કડક માર્ગદર્શિકા

બેંગલુરુ : નવા વર્ષ ૨૦૨૬ના સ્વાગત માટે જ્યારે આખું બેંગલુરુ થનગની રહ્યું છે, ત્યારે શહેરની કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કમર કસી છે. શુક્રવારે બેંગલુરુ પોલીસ કમિશનર સીમંત કુમાર સિંહે શહેરના પબ, ક્લબ, હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો સુરક્ષાના ધોરણોમાં સહેજ પણ ચૂક થશે તો આયોજકોએ કડક કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.
મહિલા સુરક્ષા અને બાઉન્સરો પર કડક નજર
પોલીસ કમિશનરે નિર્દેશ આપ્યો છે કે જે સ્થળોએ મહિલાઓની હાજરી વધુ હોય ત્યાં ફરજિયાતપણે મહિલા સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવા પડશે. મહિલાઓ અને બાળકોનું ચેકિંગ માત્ર મહિલા સ્ટાફ જ કરી શકશે. આ ઉપરાંત, ખાનગી સુરક્ષા એજન્સીઓ અને બાઉન્સરોની વિગતો પોલીસને અગાઉથી સબમિટ કરવી પડશે અને તેમની પાસે કાયદેસરનું રજીસ્ટ્રેશન હોવું અનિવાર્ય છે.
નિયમ તોડનારા પર સીસીટીવીની 'વોચ'
તમામ આયોજકોએ પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવવા પડશે અને તેના ૩૦ દિવસના ફૂટેજ સાચવી રાખવા પડશે. જે કેમેરા રસ્તા તરફ હોય તેને પોલીસ કમાન્ડ સેન્ટર સાથે લિંક કરવાની સૂચના અપાઈ છે. સાઉન્ડ સિસ્ટમ માટે અલગ મંજૂરી લેવી પડશે અને ડેસિબલ મર્યાદાનું ઉલ્લંઘન કરનારા સામે કેસ નોંધવામાં આવશે. વળી, ક્ષમતા કરતાં વધુ ટિકિટ વેચવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.
ડ્રગ્સ અને દારૂ બાબતે 'ઝીરો ટોલરન્સ'
પાર્ટી દરમિયાન જો કોઈ વ્યક્તિ માદક દ્રવ્યો (ડ્રગ્સ) સાથે ઝડપાશે તો તેની જવાબદારી આયોજકની રહેશે. સગીરોને દારૂ પીરસવા પર સખત મનાઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે, જે મહેમાનો દારૂ પીવે છે તેમને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ જે-તે હોટલ કે પબની રહેશે.
ટ્રાફિક અને આગથી સુરક્ષા
શહેરમાં ટ્રાફિક જામ ન થાય તે માટે રોડ પર પાર્કિંગની મંજૂરી આપવામાં આવશે નહીં. આયોજકોએ પોતાના પરિસરમાં જ પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે. તેમજ અગ્નિ અકસ્માત જેવી દુર્ઘટના રોકવા માટે ફાયર સેફ્ટીના સાધનો અને વૈકલ્પિક વીજ પુરવઠાની વ્યવસ્થા ચકાસી લેવા તાકીદ કરવામાં આવી છે. પોલીસની આ કડક ગાઈડલાઈન બાદ હવે આયોજકોએ નિયમોના દાયરામાં રહીને જ ઉજવણી કરવી પડશે.

(7:38 PM IST)