<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

ભારતનો લાડલો અને સેનાનો 'સૌથી નાનો નાગરિક યોદ્ધા': પંજાબના ૧૦ વર્ષીય શ્રવણ સિંહને રાષ્ટ્રપતિના હસ્તે સર્વોચ્ચ બાળ પુરસ્કાર, બહાદુરી એવી કે આખું દેશ સલામ કરે છે!

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની સરહદે સૈનિકો માટે દેવદૂત બન્યો નાનકડો શ્રવણ; જીવના જોખમે દૂધ, ચા અને લસ્સી પહોંચાડી સેનાનું મનોબળ વધાર્યું, હવે સૈનિક બનવાનું છે સપનું

ફિરોઝપુર : પંજાબના સરહદી જિલ્લા ફિરોઝપુરના એક ૧૦ વર્ષના બાળકે સાબિત કરી દીધું છે કે દેશભક્તિ માટે ઉંમર નહીં, પણ જઝબો હોવો જરૂરી છે. પંજાબના વીર પુત્ર શ્રવણ સિંહને તેની અદ્વિતીય બહાદુરી અને સેવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રતિષ્ઠિત 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન મેળવનાર તે દેશના સૌથી તેજસ્વી બાળકોમાંનો એક બની ગયો છે.
ઓપરેશન સિંદૂરનો 'નાનો યોદ્ધા'
જ્યારે ભારત-પાકિસ્તાન સરહદ પર 'ઓપરેશન સિંદૂર' ચાલી રહ્યું હતું, ત્યારે શ્રવણ સિંહના ગામમાં ભારતીય સેનાના જવાનો તૈનાત હતા. ભીષણ ગરમી અને તણાવપૂર્ણ માહોલ વચ્ચે, આ નાનકડા બાળકે સૈનિકોની સેવા કરવાનું નક્કી કર્યું. તે દરરોજ જોખમોની પરવા કર્યા વગર સૈનિકો માટે પાણી, દૂધ, ગરમાગરમ ચા, લસ્સી અને બરફ જેવી આવશ્યક વસ્તુઓ લઈને પહોંચી જતો હતો. તેની આ નિર્ભય સેવા જોઈને ભારતીય સેનાએ તેને 'સૌથી નાનો નાગરિક યોદ્ધા' (Youngest Civilian Warrior) નું બિરુદ આપી સન્માનિત કર્યો હતો.
સપનામાં પણ નહોતું વિચાર્યું આવું સન્માન મળશે: શ્રવણ
પુરસ્કાર સ્વીકાર્યા બાદ શ્રવણે ભાવુક થઈને કહ્યું, "જ્યારે પાકિસ્તાન સામે ઓપરેશન શરૂ થયું અને સૈનિકો અમારા ગામમાં આવ્યા, ત્યારે મને લાગ્યું કે મારે તેમના માટે કંઈક કરવું જોઈએ. હું દરરોજ તેમના માટે છાશ અને દૂધ લઈને જતો હતો. મને આ એવોર્ડ મળ્યો તેનો ખૂબ આનંદ છે, મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે મને આટલું મોટું સન્માન મળશે." શ્રવણના પિતા સોના સિંહે જણાવ્યું કે શ્રવણને સેનાની સેવા કરવામાં ખુશી મળતી હતી, તેથી પરિવારે તેને ક્યારેય રોક્યો નહીં.
ભાવિ સૈનિક બનવાની ખેવના
માત્ર ૧૦ વર્ષની ઉંમરે દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન (બાળકો માટે) મેળવનાર શ્રવણ હવે મોટો થઈને ભારતીય સેનામાં ભરતી થઈ દેશની રક્ષા કરવા માંગે છે. ૫ થી ૧૮ વર્ષના બાળકોને અસાધારણ સિદ્ધિઓ માટે અપાતો આ એવોર્ડ શ્રવણની હિંમત અને દેશપ્રેમની સાક્ષી પૂરે છે. ફિરોઝપુરના આ લાલ પર આજે આખું ગુજરાત અને ભારત ગર્વ કરી રહ્યું છે.

(7:53 PM IST)