<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

ભારત બન્યું દુનિયાનું 'ઈલેક્ટ્રોનિક્સ હબ': નિકાસના મામલે સાતમા ક્રમેથી સીધી ત્રીજા ક્રમે મારી લાંબી છલાંગ, મેક ઈન ઈન્ડિયાનો ડંકો વાગ્યો!

મોબાઈલ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજા નંબરે; અશ્વિની વૈષ્ણવે ગણાવ્યા આંકડા - ૧૩ હજાર કરોડનું રોકાણ અને લાખો નવી નોકરીઓ સાથે ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સર્જાયો ઈતિહાસ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મેક ઈન ઈન્ડિયા' અને આત્મનિર્ભર ભારતના વિઝને આજે વૈશ્વિક સ્તરે ઈતિહાસ રચી દીધો છે. કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે, ઈલેક્ટ્રોનિક્સ હવે ભારતની ત્રીજી સૌથી મોટી નિકાસ શ્રેણી તરીકે ઉભરી આવી છે. થોડા વર્ષો પહેલા જે ક્ષેત્ર સાતમા ક્રમે હતું, તે આજે ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ બની ગયું છે. ભારત હવે દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ બની ગયો છે.
PLI યોજનાએ બદલ્યું નસીબ
મંત્રી વૈષ્ણવે જણાવ્યું કે, 'લાર્જ સ્કેલ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ' (LSEM) માટેની પીએલઆઈ સ્કીમ ગેમ-ચેન્જર સાબિત થઈ છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ૧૩,૪૭૫ કરોડ રૂપિયાથી વધુનું જંગી રોકાણ આવ્યું છે અને અંદાજે ૯.૮ લાખ કરોડ રૂપિયાનું વિક્રમી ઉત્પાદન થયું છે. છેલ્લા ૫ વર્ષમાં આ સેક્ટરે ૧.૩ લાખથી વધુ લોકોને સીધી રોજગારી પૂરી પાડી છે, જે સાબિત કરે છે કે ભારત હવે માત્ર એસેમ્બલી યુનિટ નથી પણ ઉત્પાદનનું કેન્દ્ર છે.
સેમિકન્ડક્ટર અને કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પર ફોકસ
સરકાર હવે માત્ર ફિનિશ્ડ પ્રોડક્ટ્સ જ નહીં, પરંતુ મોબાઈલના સ્પેરપાર્ટ્સ, કાચો માલ અને મશીનરી ભારતમાં જ બને તે માટે કટિબદ્ધ છે. ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમમાં ૧.૧૫ લાખ કરોડ રૂપિયાના રોકાણની પ્રતિબદ્ધતા મળી છે, જે અત્યાર સુધીનું સૌથી ઊંચું રોકાણ છે. વધુમાં, ૧૦ સેમિકન્ડક્ટર યુનિટ્સને મંજૂરી અપાઈ છે, જેમાંથી ૩ યુનિટમાં તો ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે.
રોજગારના સર્જનમાં સુનામી
છેલ્લા એક દાયકામાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કુલ ૨૫ લાખ નોકરીઓનું સર્જન થયું છે. મંત્રીએ તેને પાયાના સ્તરની વાસ્તવિક આર્થિક વૃદ્ધિ ગણાવી છે. જેમ જેમ સેમિકન્ડક્ટર અને પાર્ટ્સ બનાવવાનું સ્કેલ વધશે, તેમ તેમ ભારતીય યુવાનો માટે રોજગારીની તકોમાં હજુ મોટો ઉછાળો આવશે. વૈશ્વિક કંપનીઓનો ભારત પર વિશ્વાસ વધ્યો છે અને ભારતીય કંપનીઓ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે સક્ષમ બની છે.

(7:54 PM IST)