News of Saturday, 27th December 2025
કોંગ્રેસમાં 'બગાવત' કે લોકશાહી? શશી થરૂરે પીએમ મોદીના વખાણ કરતા હાઈકમાન્ડ નારાજ; વી. હનુમંત રાવે કહ્યું- "થરૂરનું નિવેદન તેમનું વ્યક્તિગત છે, પાર્ટીનું નહીં"
"પીએમની હાર એ ભારતની હાર છે" - થરૂરના આ નિવેદનથી રાજકીય ભૂકંપ; ભાજપે થરૂરને 'હિંમતવાન' કહી વધાવ્યા, ત્યારે કોંગ્રેસે થરૂરના વિચારોથી પોતાનો છેડો ફાડ્યો

નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂર ફરી એકવાર પોતાના નિવેદનોને કારણે વિવાદોના વમળમાં ફસાયા છે. થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ નીતિના વખાણ કરતા અને "પીએમની હારને ભારતની હાર" સાથે સરખાવતા કોંગ્રેસમાં હોબાળો મચી ગયો છે. શનિવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા વી. હનુમંત રાવે સ્પષ્ટ કર્યું હતું કે થરૂરના વિચારો પક્ષની વિચારધારા સાથે સુસંગત નથી અને પાર્ટી આવા મંતવ્યોને સ્વીકારતી નથી.
શું કહ્યું હતું શશી થરૂરે?
તાજેતરમાં એક નિવેદનમાં શશી થરૂરે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મંચ પર વડાપ્રધાનની હારની ઉજવણી કરવી એ ભારતની હારની ઉજવણી કરવા સમાન છે. તેમણે પીએમ મોદીની ઉર્જા અને વૈશ્વિક નેતાઓ સાથે સહયોગ કરવાની તેમની ઇચ્છાને ભારત માટે 'મૂખ્ય સંપત્તિ' ગણાવી હતી. થરૂરના આ 'મોદી પ્રેમ' ને કારણે સોશિયલ મીડિયા પર પણ નવી ચર્ચા છેડાઈ છે.
કોંગ્રેસનો પલટવાર: "આ અમારી વિચારધારા નથી"
કોંગ્રેસ નેતા વી. હનુમંત રાવે એએનઆઈ (ANI) સાથે વાત કરતા જણાવ્યું કે, "કોંગ્રેસમાં લોકશાહી છે, તેથી દરેકને પોતાના વિચારો વ્યક્ત કરવાની છૂટ છે. પરંતુ થરૂર જે વિચારે છે તે કોંગ્રેસ પાર્ટી વિચારતી નથી. જો આવું નિવેદન અન્ય કોઈ પક્ષના નેતાએ આપ્યું હોત તો અત્યાર સુધીમાં તેમની સામે કાર્યવાહી થઈ ગઈ હોત." તેમણે આડકતરી રીતે સંકેત આપ્યો કે થરૂરના નિવેદનથી પાર્ટી નેતૃત્વમાં ભારે નારાજગી છે.
ભાજપે થરૂરને 'અરીસો' બતાવવા બદલ બિરદાવ્યા
શશી થરૂરના આ વલણનું ભારતીય જનતા પાર્ટીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ એક્સ (X) પર લખ્યું કે, "શશી થરૂરે રાહુલ ગાંધીને અરીસો બતાવવાની હિંમત કરી છે. તેમણે સાચું જ કહ્યું છે કે વિદેશ નીતિ રાષ્ટ્રની હોય છે, કોઈ પક્ષની નહીં." ભાજપે એવો પણ કટાક્ષ કર્યો કે કોંગ્રેસ હવે કદાચ થરૂર વિરુદ્ધ શિસ્તભંગના પગલાં લેવાની તૈયારી કરશે કારણ કે તેઓ 'પરિવારવાદ' થી ઉપર ઉઠીને રાષ્ટ્રહિતની વાત કરી રહ્યા છે.
વારંવાર પક્ષ સાથે અંતર વધતું જાય છે?
આ પહેલીવાર નથી જ્યારે શશી થરૂરે પીએમ મોદીના વખાણ કર્યા હોય. જૂન મહિનામાં પણ તેમણે એક લેખમાં મોદીના વખાણ કર્યા હતા. વળી, તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી કોંગ્રેસની 'વોટ ચોર' રેલી અને રાહુલ ગાંધીની મહત્વની બેઠકોમાં પણ થરૂર ગેરહાજર રહ્યા હતા. જોકે, આ વિવાદો વચ્ચે પણ તેમણે આજે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) ની બેઠકમાં હાજરી આપી હતી, જે સૂચવે છે કે હજુ પણ પાર્ટીમાં બધું બરાબર હોવાના પ્રયાસો ચાલુ છે.
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
